________________
અણહિલપાટક પત્તન
[ ૧૧ સુધી અથવા ત્યાંથી રેલવે સ્ટેશને જવાના રસ્તા ઉપર કંઈક આગળ હશે. હાલ
જ્યાં “ત્રિપળિયું' અથવા ત્રણ દરવાજા છે ત્યાં સને ૧૯૨૭-૨૮ માં ખોદકામ થતાં પંદર ફૂટ ઊંડાઈએ આ દરવાજાની પ્રાચીન કુંભીઓ જોવામાં આવી હતી. ત્યાંથી પૂર્વ દિશાએ રેલવે સ્ટેશન તરફ જતાં હીંગળાજ ચાચર નામે લત્તો આવે છે ત્યાં પ્રાચીન કાળમાં સરસ્વતી નદીનું વહેણ હતું અને આ સ્થળ “હીંગળાજને આર’ કહેવાતું એવી સ્થાનિક અનુશ્રુતિ છે. એના સમર્થનમાં ત્યાં જમીનમાં દસ ફૂટ ઊંડાઈએ હીંગળાજ માતાનું સ્થાન બતાવાય છે, એટલે કે પ્રાચીન પાટણની પૂર્વ સીમા હાલના પાટણના બજાર સુધી હોય. દક્ષિણ દિશાએ, હાલના પાટણના મોતીશાના દરવાજાની બહાર, ઠીક ઠીક અંતર સુધી જૂનાં ઘરોના પાયા દેખાય છે, એટલે પ્રાચીન નગરનો વિસ્તાર એ તરફ હશે, પણ એની ચેકસ મર્યાદા રીતસરના ઉખનન સિવાય નક્કી કરવી મુશ્કેલ છે. પશ્ચિમ દિશાએ હાલના કનસડા દરવાજાની બહારના વિશાળ વિસ્તાર અને એમાંયે કાલિકા માતાના મંદિરને આધારે ઊભેલા પ્રાચીન રાજગઢીના કોટ આસપાસનો ટીંબો ચૌલુક્યકાલીન પાટણને કેદ્રીય વિસ્તાર હતો. પ્રાચીન પાટણની પશ્ચિમ સીમા હાલના પાટણથી પશ્ચિમ દિશાએ પાંચેક માઈલ દૂર વડલી ગામ સુધી નિદાન હશે; એ ગામ પાસેના એક ટેકરાને સ્થાનિક લેકે જુના પાટણના ઘીકાંટા તરીકે ઓળખાવે છે. જૈન સાહિત્યમાં “વટપલી” તરીકે આ સ્થાનના ઉલ્લેખ આવે છે અને ભેંયમાં દાટેલી સંખ્યાબંધ જૈન મૂર્તિઓ ડાંક વર્ષ પહેલાં ત્યાંથી મળી હતી, એનાથી પણ ઉપર્યુક્ત અનુશ્રુતિને સમર્થન મળે છે.
ચૌલુક્યકાલના પાટણને કેટલોક ભાગ હાલના પાટણના વસવાટવાળા વિસ્તાર સાથે ભેળસેળ પામેલો છે એ ઉપરની હકીકતોથી સ્પષ્ટ થશે. એના વિશેષ સમર્થન માં બીજી કેટલીક સ્થાનિક વિગતે અને પ્રમાણે આપી શકાય, પણ આ ગ્રંથમાં એ આવશ્યક નથી.
ચૌલુક્યકાલીન પાટણને નાશ સરસ્વતી નદીના પૂરથી થયે હશે એવી એક માન્યતા છે. પાટણના વાયવ્ય ખૂણાના દરવાજાનું નામ “ફાટી પોલનો દરવાજો” એવું છે, એ ઉપરથી એવું અનુમાન થઈ શકે કે નદીની પાળ ત્યાં ફાટી હશે અને એ તરફ વહેણ થવાથી જૂના શહેરને નાશ થયેલો.-૨૭ પૂરના કારણે નગરને નુકસાન થાય એ સમજાય એવું છે, પણ સરસ્વતી જેવી નાની નદીનું ગમે તેવું પ્રચંડ પૂર પણ આવા મહાનગરને સંપૂર્ણ નાશ કરી નાખે અને પરિણામે નવું નગર વસે એ સંભવિત લાગતું નથી.