________________
નવતત્ત્વમાં પરિણામી જીવ મુક્ત ગાથા છે.
પુદ્ગલના જે ૧૦ પરિણામો (ગતિ, ભેદ, બંધ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ અને અગુરુલઘુ છે) તે પોતાના સ્વભાવ પ્રમાણે સદા પરિણામ પામે છે. આપણો આત્મા પોતાના સ્વભાવ રૂપે પરિણામ પામે છે કે નહીં? તેનો નિર્ણય કરવો હોય તો પુદ્ગલના ૧૦ પરિણામનું જ્ઞાન થઈ જાય તો આપણને આપણા આત્માના પરિણામનો નિર્ણય થઈ શકે. કારણ આત્માના પરિણામો પુદ્ગલના પરિણામોથી ભિન્ન છે.
પુદ્ગલ દ્રવ્યનો સંબંધ આત્મા સાથે છે અને આત્માથી બહાર પણ રહેલો છે. બહાર પુદ્ગલ દ્રવ્યમાં ૧૦ પરિણામ જોવા મળવાથી ખાત્રી થાય કે આત્મા જો તે જ પરિણામો પ્રમાણે વર્તતો દેખાય તો તે પરિણામ આત્માના નથી. આત્માના પરિણામો તેનાથી નિરાલા છે પણ પુદ્ગલનાં સંયોગને કારણે આત્મા તેના પરિણામોથી મિશ્રિત થઈ ગયો છે. તેથી તે આત્માના શુદ્ધ પરિણામો નથી. જેમ ગતિ પરિણામ પુદ્ગલનો – કોઈ પણ દિશામાં જઈ શકે જ્યારે આત્મા માત્ર ઊર્ધ્વગતિ જ કરી શકે. સર્વ સંગથી રહિત થશે ત્યારે જ ઊર્ધ્વગતિ. એક સમયમાં લોકાંત સુધી થાય. તે સિવાય આત્મા પણ દિશા-વિદિશામાં પુદ્ગલ સંગને કારણે ભમે તો તે આત્માની શુદ્ધ ગતિ નથી. આમ આત્માના પરિણામો-પુદ્ગલોથી ભિન્ન છે તેવું ભેદજ્ઞાન પ્રાપ્ત થાય તેવા જ યોગીઓ પુદ્ગલના પરિણામોથી મુક્ત બની આત્માના શુદ્ધ પરિણામ રૂપે સ્થિર થવા રૂપ ધ્યાન યોગની પ્રધાન સાધના કરતાં હોય છે. આથી પુદ્ગલરહિત આવા આત્માના ૧૦ પરિણામો જાણવા જરૂરી.
સિદ્ધાવસ્થામાં આત્મા સર્વ પરસંયોગથી રહિત છે અર્થાત્ પુદ્ગલોના ૧૦ પરિણામો કે પુદ્ગલ મિશ્રિત આત્માના અશુદ્ધ પરિણામોથી સંપૂર્ણ રહિત છે. માત્ર આત્માના જ શુદ્ધ પરિણામો છે.
અજીવ તત્વ | 313