________________
સમાધિમરણથી બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા અને અવસરે તે વ્યભિચારી પત્નીને પ્રતિબોધ કરી સદ્ગતિના માર્ગે વાળી. 1 કેવલી તથા સિધ્ધો શાનાદિ ગુણ રૂપ પાંચ રમામાં નિત્ય રમે.
પ્રતીતિ થયા પછી હેયના ત્યાગનો અને ઉપાદેયમાં ગ્રહણનો પરિણામ આવે, હેય માની જે છોડયું તેમાં ઉદાસીન પરિણામ અને આત્માના ગુણોમાં ઉપાદેયના કારણે ત્યાં સ્થિરતાનો પરિણામ આવે. જ્ઞાનાદિ પાંચ ગુણરત્નો તે આત્માના પાંચ અક્ષય ખજાના છે. પાંચ રમા રૂપ છે. કેવલી અને સિધ્ધોમાં તે પૂર્ણરૂપે પ્રગટેલા હોવાથી તેઓ તેનાં સ્વામી બની તેમાં સદા રમનારા હોય છે. તેમાં કદી થાકે નહીં. તેમને જગતની રૂપી રમાની જરૂર નહીં. આત્માની રમા પાંચે અરૂપી છે. તેથી નિરંતર રમવા છતાં થાક લાગે નહીં, કંટાળો આવે નહીં, તેમાં આનંદરસ ખૂટે નહીં. બહારની રૂપી રમાથી ઈન્દ્રિયો થાકી જશે, તેથી નિરંતર રમી નહીં શકે અને આત્મા અકળામણ પામશે. આથી આ પાંચ ગુણો જ સાધ્ય બનવા જોઈએ.
નવતત્ત્વનું જ્ઞાન આત્માની પ્રસિધ્ધિ માટે કરવાનું છે. અર્થાત્ આત્માની પ્રતીતિ થાય કે હું ઈન્દ્રિય-યોગરૂપ-આકારરૂપ નથી. પરંતુ ફકત તેનાથી નિરાળો આત્મા છું. આ મારી કર્મકૃત આત્માની અશુધ્ધ અવસ્થા છે અને મારી શુધ્ધ અવસ્થા એનાથી નિરાળી–અલિપ્ત અવસ્થા તે સિધ્ધાત્મા–સત્તામાં છે. આમ શુધ્ધ-અશુધ્ધ અવસ્થાનું ભેદજ્ઞાન જરૂરી પછી જ તે અશુધ્ધ અવસ્થાથી ભેદ કરવા ધ્યાન કરવા અધિકારી બને. સ્વ-પરનું ભેદજ્ઞાન ન થાય તો ધ્યાનમાં મૂંઝવણ ઉભી થાય? હું શરીરમાં છું કે આત્મામાં?' તેથી ધ્યાનદશામાં સ્થિરતા નહીં પામી શકે – આગળ વધી નહીં શકે. આથી ભેદજ્ઞાન થયા પછી શુધ્ધાત્મદશાનું સાધ્ય તરીકે નિર્ણય જરૂરી છે. જિનશાસનમાં – વિરતિપૂર્વકની સર્વ ક્રિયા ધ્યાનયોગરૂપ છે. પરંતુ નિશ્ચય અને વ્યવહારનું સમન્વય કરતા ન આવડે તો તે ક્રિયાયોગ ધ્યાનયોગ ન થતાં વેઠરૂપ માત્ર પુણ્યબંધનું કારણરૂપ થાય. પણ આત્માનુભૂતિના કારણરૂપ ન થાય.
નવતત્વ || ૧૨૮