________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૯૧
રત્નરાશિની કિરણપ્રભા ગુરુ ગૌતમસ્વામી : કેટલાક પ્રસંગો
- શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
આત્મપ્રદેશની વાત જ ન્યારી હોય છે. કર્મસત્તા અને ધર્મસત્તા એનાં ચરણોની દાસી હોય છે, ચક્રવર્તીની સેના કરતાં એનું ઐશ્વર્ય અધિક હોય છે. ઈન્દ્રના દરબાર કરતાં એનો ઝળહળાટ જુદો હોય છે, એ રત્નપુંજ છે...... એ નામ છે ગૌતમસ્વામી. એ રત્નરાશિની કિરપ્રભા અત્રે આલેખાયેલી છે.
ભૂતકાળ સાથે વર્તમાન અને ભવિષ્યની હારમાળાઓ અભિવ્યક્ત કરવામાં આવી છે.
લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ જૈન સમાજના ખ્યાતનામ પંડિત તરીકે પંકાયેલા છે. તેઓ મા શારદાના અનન્ય સાધક હતા. તેમનું જૈન સાહિત્યમાં ઘણું મોટું યોગદાન છે. તેમણે ગૌતમસ્વામી ઉપર પણ એક ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથમાંના કેટલાક પ્રસંગો ખરેખર આંખને વળગે એવા અને હૃદયને સ્પર્શી જાય તેવા છે. આમ તો એ ચરિત્રગ્રંથ ગૌતમસ્વામીના પ્રવર્તમાન પ્રકાશિત સાહિત્યમાં શિરમોર છે. એ ગ્રંથની સામગ્રી વારંવાર વાગોળવા જેવી છે–જેમાંની કેટલીક સામગ્રી જે પ્રસંગરૂપે છે તે અત્રે સાભાર પ્રગટ કરતાં હર્ષ અનુભવીએ છીએ.
સ્વ. શ્રી રતિલાલભાઈ દેસાઈ પોતાના ચોખ્ખા નિર્મળ જીવનને કારણે જૈન શ્રમણ-સંસ્થામાં તટસ્થપણે ઠીકઠીક ઊંડા ઊતરેલા, જૈન પરંપરાના પ્રાચીન મહાન આચાર્યો માટે તેમનું હૃદય ભાવભીનું બની જતું. એમની અનેક વાર્તાઓમાં માનવભક્તિનાં જરૂર દર્શન થાય છે.
-સંપાદક
(૧) પુદ્ગલ પરિવ્રાજક શ્રમણ ભગવાન મહાવીરે સત્તરમું ચોમાસું વાણિજ્યગ્રામમાં કર્યું તે પછી ભગવાન વિચરતા વિચરતા પોતાના સંઘ સાથે આલભિકા નગરીમાં પધાર્યા.
આલભિકા નગરીના શંખવન ચૈત્યમાં એક તપસ્વી પજિક રહેતા હતા. એમનું નામ પુદ્ગલ (પોગલ) હતું. એ બ્રાહ્મણ શાસ્ત્રોના મોટા પંડિત હતા અને જીવનસાધના માટે બે ઉપવાસને પારણે બે ઉપવાસની તપસ્યા કરતા હતા, તેમ જ સૂર્યની સામે ઊભા રહીને ઉગ્ર તાપમાં એકાગ્રતાથી આતાપના લેતા હતા. એમની આ સાધના એક દિવસ સફળ થઈ અને બ્રહ્મલોક સુધીના દેવલોકનું એમને જ્ઞાન થયું.