________________
૫૫૪ ]
[ મહામણિ ચિંતામણિ
ગણધર ગૌતમ પ્રભુના જીવનમાં ઘટેલી કેટલીક વિલક્ષણતા
કાજળઘેરી અમાસની કાળી ડિબાંગ રાત્રિ એટલે અંધકારનું સામ્રાજ્ય વર્તતું હોય. આ હુંડા અવસર્પિણી કાળમાં જન્મેલા જીવોની જાણે ભરપૂર ભાવદયા ભાવતા હોય તેમ ભગવંત મહાવીર મહારાજા એકધારી દેશના વહાવી રહ્યા છે. સર્વસામાન્ય રીતે પહેલા અને ચોથા પહોરે તીર્થંકરની વાણી સાંભળવા મળે, પરંતુ બીજા પહોરે ગણધરની વાણી સાંભળવા મળે તેમ જ છેલ્લે અવસરે આયુષ્યની સમાપ્તિ પહેલાં પ્રાયઃ તીર્થંકર ભગવંતો મૌન થઇ જાય છે. પરંતુ વીરપ્રભુએ છેલ્લા ૧૬ પહોર ચારે આહારના ત્યાગમય છઠ્ઠ તપની આરાધના કરી છે અને એકધારી દેશના ચાલુ છે.
મરુદેવા અધ્યયન પ્રરૂપતા ભગવંત નિર્વાણ પામે છે. હાજર રહેલા વિષાદમય બની જાય છે. ઇન્દ્રાદિક દેવતાઓ પણ વિષાદમય બની જાય છે. એક સામાન્ય એક ભવના સ્વજનની વિદાય પણ જીવને દુઃખ ઉત્પન્ન કરનારી બનતી જગતમાં જોવા મળે છે. કેટલાકની વિદાય દિવસો સુધી કે મહિનાઓ અને વર્ષો સુધી જીવનમાં ઘેરા આઘાતની લાગણી મૂકી જતી જોવા મળે છે. જેમ સ્નેહ વધારે તેમ આઘાત વધારે. પરંતુ ટોચના સ્નેહ છતાં ગૌતમ ગણધરને ભગવંતની વિદાય વહેલામાં વહેલા આઘાતને બદલે, વિષાદને બદલે કૈવલ્યની પ્રાપ્તિ કરાવનાર બને છે. જગતને માટે આઘાતનો પ્રસંગ ગૌતમના જીવનમાં ભવોભવનો આઘાત સાદિ અનંત ભાગે દૂર કરનાર બને છે. સઘળા જીવોને અંધકાર જ્યારે ગૌતમને જ્ઞાનનો પ્રકાશ દેનાર બને છે, સઘળા જીવોનો શોક, જ્યારે ગૌતમને નિજાનંદમાં ડુબાડનાર બને છે. હવે શું થશે તે ગૂંચવાતો પ્રશ્ન અનેક જૈનોને ઘૂમરાય છે ત્યારે હવે શું થશે તે સ્પષ્ટ જોનાર અને જાણનાર ગૌતમ ગણધરને બનાવનાર બને છે.
૧૪૫૨ ગણધરોમાં એક જ ૧૪૪૨મા ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ વિષે સૌથી વધારે સાહિત્ય ઉપલબ્ધ છે. કુલકો, અષ્ટકો, સ્તોત્રો, રાસ, સ્તુતિ વગેરે સૌથી વધારે તેમનાં છે, તેમ જ પ્રતિમાજી પણ ગૌતમસ્વામીજી ગણધરનાં સૌથી વધારે જોવા મળે છે તેમ જ નૂતન પ્રતિમાજી પણ તેમનાં જ પ્રતિષ્ઠિત થઇ રહ્યાં છે. નામસ્મરણ પણ તેમનું જ જૈન જગતમાં સૌથી વધારે કરાઇ રહ્યું છે. વીશસ્થાનકમાં ગૌતમસ્વામી
કોઇ પણ તીર્થંકર તીર્થંકર બનતાં પહેલાં ત્રીજા ભવમાં એક કે વધારે સ્થાનકોની આરાધના તથા સવિ જીવ કરું શાસનરસીની ભાવના એ બેના બળે તીર્થંકર નામ-ગોત્ર કર્મની નિકાચના કરે છે. એ સામાન્ય રીતે હાલ શ્વેતાંબર આમ્નાયમાં ૨૦ સ્થાનકો છે, જો કે તે સ્થાનકોનાં નામક્રમ કે સંખ્યામાં કેટલાક આચાર્યો વચ્ચે મતાંતર છે; પરંતુ વર્તમાન કાલે તેમાં એક સ્થાનક તરીકે ‘ગૌતમ ગણધર'ને આશ્રીને આરાધના છે. કેટલાયે પુન્યવાન આરાધકો ઉપવાસથી બાકીના ૧૯ કે અઢાર સ્થાનક આરાધે છે પરંતુ આ પદની આરાધના છઠ્ઠ (બેલો) બે ઉપવાસ સાથે કરીને કરે છે. આ પણ કેવી ગૌતમ ગણધરની વિશિષ્ટતા છે કે તીર્થંકર નામકર્મની નિકાચનાનાં સ્થાનકોમાં એકેય તીર્થંકરનું નામ નથી પરંતુ ગણધરનું છે. માલિક બનવાનું છે પણ માલિકનું નામ નહીં, સેવકનું નામ. વળી બીજા બધામાં ૧ ઉપવાસ, જ્યારે આમાં બે ઉપવાસ. કારણ ? કારણ કે ગૌતમસ્વામીજી છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા. (એક સ્થાનકમાં ચોથભક્ત કરાય છે.) અલબત્ત અઠ્ઠાઇથી પણ વીશસ્થાનક કરનાર પુન્યાત્મા હાલ છે અને ભગવંત મહાવીર મહારાજાએ