________________
૪૯૮ ]
[ મહામણિ ચિંતામણિ
મને જરાય બીક નથી. સાહિત્યમાં મારી બુદ્ધિ અસ્મલિત છે. તર્કશાસ્ત્રમાં તો મારા જેવો બીજો પારગામી બીજો કોણ છે? મેં કયા શાસ્ત્રમાં પરિશ્રમ-પુરુષાર્થ નથી કર્યો ? અરે વાદી ! તારો પરાજય તો હું દરેક શાસ્ત્રમાં, રમતાં-રમતાં કરી શકું તેમ છું.”
આ પ્રમાણે જ્ઞાન-મદના તરંગોમાં તણાતો-તણાતો ઇન્દ્રભૂતિ શ્રી મહાવીર પ્રભુના સમવસરણ પાસે આવી પહોંચ્યો. ઈન્દ્રભૂતિને ગભરામણ અને મૂંઝવણ
' અરે ! પ્રભુને જોતાં જ ઇન્દ્રભૂતિને આ શું થયું? શા માટે એકાએક ગભરાઈને ઊભો થઈ રહ્યો ? ચોંત્રીસ અતિશયોથી શોભી રહેલા સમવસરણમાં સુવર્ણના સિંહાસન પર બેઠેલા, સુરેન્દ્રો-નરેન્દ્રોથી પૂજાતા અને અમૃતમય વાણીથી દેશના આપી રહેલા વિશ્વવંદ્ય વીર પ્રભુનું તેજસ્વી અને ભવ્ય મુખારવિંદ જોઈ ઇન્દ્રભૂતિ કેમ દંગ થઈ ગયો? સમવસરણનાં પગથિયાં પાસે ઊભો રહી જાત-જાતના વિચારો કરવા લાગ્યો.
અહો ! આ તે બ્રહ્મા હશે? ના, બ્રહ્મા તો વૃદ્ધ છે અને આ તો યુવાન છે. શું આ વિષ્ણુ છે ? ના, વિષ્ણુ તો લક્ષ્મી સાથે હોય. શું આ શંકર હશે? ના, તેની સાથે તો પાર્વતી હોય. લાગે છે તો સૌમ્ય તેજસ્વી ચન્દ્ર જેવા. પણ ના, ચન્દ્ર તો કલંક સહિત હોય. તો શું આ સૂર્ય હશે ? ના રે ના, સૂર્ય સામું જોઈ પણ ન શકાય, અને આ તો સૌમ્ય કાન્તિવાળા છે. ત્યારે શું આ “મેરુ' હશે? મેરુ તો સ્વાભાવિક કઠણ હોય, આ તો કોમળ છે. ત્યારે શું આ કૃષ્ણ હશે? એ પણ અસંભવ. કૃષ્ણ તો કાળો છે, ને આમની કાન્તિ તો સુવર્ણના તેજ જેવી ઝળહળી રહી છે. તો શું આ કામદેવ તો નહીં હોય? ના, કામદેવ તો અનંગ છે, તેનું શરીર જ ક્યાં હોય છે ! આને સરસ સુંદર રૂપાળું શરીર છે.
આખરે, બહુ-બહુ વિચાર કરતાં તેને ઝબકારો થયો કે આ પુરુષ તો અઢાર-દોષ-રહિત, સર્વગુણસંપન્ન, સર્વજ્ઞ છેલ્લા જૈન તીર્થકર જ છે.
આ વિચારથી ખાતરી થતાં ઇન્દ્રભૂતિના અભિમાની તરંગો હવામાં જ ઊડી ગયા. તે ગંભીર મૂંઝવણમાં પડ્યો ? અરેરે! અત્યાર સુધી જગતના વાદીઓ પર વિજય મેળવી જે યશ-કીર્તિ-નામના મેળવી છે તે હવે હું શી રીતે જાળવી શકીશ? હે શંભુ ! હું અહીં ન જ આવ્યો હોત તો ઠીક થાત. મને અહીં આવવાની દુર્બુદ્ધિ ક્યાંથી સૂઝી? સમગ્ર જગતના વાદીઓને જીતનાર એવો હું એકને જીતવા ન આવ્યો હોત તો મારી શી મોટી બદનામી થઈ જવાની હતી? એવો કોણ મૂર્ખ હોય કે એક ખીલીને માટે આખો મહેલ પાડી નાખે ? ' અરેરે ! મેં કેવું અવિચારી સાહસ કર્યું ! મારી કુબુદ્ધિએ જ મને આ જગદીશના અવતારને જીતવા મોકલ્યો ! હું આ તેજસ્વી સર્વજ્ઞ-મહાજ્ઞાની આગળ કેવી રીતે બોલી શકીશ ? અરે તેમની પાસે કેવી રીતે જઈ ઊભો રહીશ?
હે ભોલે શંકર ! મને આ આપત્તિમાંથી ઉગારો. મારાં યશ-કીર્તિનું રક્ષણ કરો. ભાગ્યયોગે જો હું અહીં વિજય મેળવું તો હું ત્રણે જગતમાં એક અદ્વિતીય પંડિત ગણાઈ ! જાઉં એ નિઃશંક છે.