________________
૪૮૦ ]
[ મહામણિ ચિંતામણિ
પામી, સ્વપુત્રને રાજ્ય સોંપી, માતા-પિતા સહિત, ગૌતમસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી સપરિવાર ગૌતમસ્વામી પ્રભુ વીરની પાસે આવવા રવાના થયા. ત્યાં રસ્તામાં શાલ અને મહાશાલને પોતાનાં બહેન-બનેવી આદિના ગુણોની અનુમોદના કરતાં ક્ષપકશ્રેણિમાં કેવળજ્ઞાન થયું. આ બીના, પ્રભુ શ્રી વીરની પાસે આવ્યા બાદ પ્રભુશ્રીના કહેવાથી જ્યારે શ્રી ગૌતમ મહારાજે જાણી ત્યારે તેઓ વિચાર કરવા લાગ્યા કે શું મને કેવળજ્ઞાન નહીં થાય ? આ વાતનો ખુલાસો કર્યો કે આજે જ પ્રભુએ ફરમાવ્યું છે કે જે ભવ્ય જીવ સ્વલબ્ધિ વડે અષ્ટાપદ પર્વત ઉપર જઈ જિનેશ્વરોને વંદન કરે તે આત્મા તે જ ભવે સિદ્ધિપદ પામે.' એ સાંભળીને તેઓ પ્રભુની આજ્ઞા લઈને ચારણલબ્ધિથી વાયુ જેવા વેગે અષ્ટપદ પર્વત ઉપર ચઢી, તીર્થવંદના કરી, અશોક વૃક્ષની નીચે બેઠા ! ત્યાં વૈશ્રમણ આદિ દેવોને સંસારની વિચિત્રતા ગર્ભિત દેશના સંભળાવી. છેવટે વૈશ્રમણને શંકાશીલ જાણીને પુંડરીક અને કંડરીકનું દૃષ્ટાંત કહી તેને નિઃસંદેહ બનાવ્યો.
પંદરસો તાપસોને દીક્ષા, ભોજન અને કેવળજ્ઞાન :– રાત ત્યાં રહી તેઓ સવારે નીચે ઊતરવાની તૈયારી કરતા હતા ત્યારે નીચે, પૂર્વે આવેલા પંદરસો તાપસો, ગૌતમસ્વામીની (ચઢતી વખતની) અપૂર્વ શક્તિ જોઈને આશ્ચર્ય પામીને તેઓ ઊતરશે ત્યારે તેમના શિષ્ય થઈશું', આવા ઇરાદાથી તેમની રાહ જોઈ રહ્યા હતા. એટલે જ્યારે ગૌતમસ્વામીને આવેલા જોયા ત્યારે તેઓએ દીક્ષાની માગણી કરી. ગૌતમસ્વામીએ બધા તાપસોને દીક્ષા આપી. પછી આ બધા પ્રભુની પાસે જવા ચાલ્યા. વચમાં એક ગામ આવ્યું ત્યાં શ્રી ગૌતમસ્વામીએ અક્ષીણ-મહાનસીલલબ્ધિના પ્રભાવે થોડી ખીર છતાં સર્વેને તૃપ્ત કરી, સર્વેને વિસ્મય પમાડ્યા.
એ પંદરસો તાપસોમાંથી પાંચસોને જમતાં, પાંચસોને પ્રભુની પ્રાપ્તિહાર્યાદિ ઋદ્ધિ જોતાં અને પાંચસો તાપસોને પ્રભુનાં દૂરથી દર્શન થતાંની સાથે જ કેવળજ્ઞાન પ્રગટ થયું. આ વાતની શ્રી ગૌતમસ્વામીને ખબર ન હોવાથી તેમણે તાપસોને કહ્યું કે, પ્રભુને વંદન કરો. એટલે શ્રી મહાવીરદેવે કહ્યું, હે ગૌતમ, આ સર્વ કેવલી છે, તેથી વંદન કરવાનું ન કહેવાય !' આ સાંભળી તરત જ શ્રી ગૌતમ મહારાજે કેવલી તાપસોને ખમાવ્યા. ધન્ય છે શ્રી ગૌતમ દેવના નમ્રતાના ગુણને !
ફરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિની શંકા અને તેનું સમાધાન : આ અવસરે ફરી શ્રી ગૌતમ મહારાજે વિચાર્યું કે—“જરૂર હું આ ભવમાં મુક્તિમાં જઈશ નહીં કારણ કે મેં જેઓને દીક્ષા આપી તેઓ કેવલજ્ઞાન પામ્યા અને હું ન પામ્યો.” એટલે પ્રભુએ પૂછ્યું—‘હે ગૌતમ ! તીર્થંકરોનું વચન સાચું કે દેવોનું વચન સાચું ?' આ પ્રશ્નનો શ્રી ગૌતમે વિનયથી જવાબ આપ્યો ઃ નક્કી તીર્થંકરનું વચન સત્ય છે.' પ્રભુએ ગૌતમને આશ્વાસન પમાડવા માટે વધુમાં કહ્યું કે—હે ગૌતમ, આમ અધીરતા કરીશ નહીં. લાંબા કાળના પિરચયથી તને મારા ઉપર દૃઢ રાગ છે, તે દૂર થતાં જ તને કેવલજ્ઞાન થશે !' ગૌતમસ્વામીને આથી શાંતિ થઈ !
આ પ્રમાણે શ્રી ગૌતમ મહારાજા મહાવીરદેવની પાસે બહુ દૂર નહીં અને બહુ પાસે નહીં તેમ ઉભડક પગે વિનયપૂર્વક બેસતા હતા, અને ધર્મધ્યાન, શુક્લધ્યાન રૂપી કોઠાને પ્રાપ્ત થયેલા પાંચ ઇન્દ્રિયોને અને મનને સ્થિર રાખતા હતા તેમ જ સંયમ અને તપ વડે આત્માને નિર્મલ બનાવી રહ્યા હતા. ગૌતમ ગોત્રમાં જન્મેલા, સાત હાથની કાયાવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાનના ધારક