________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૭૫
થઈ જાય છે, ને શા માટે કોઈ નિમિત્ત વગર એક જીવ બીજા જીવને પહેલી નજરે નિહાળતાંની સાથે જ ક્રોધનો કાદવ ઉછાળવા લાગે છે?
મેધાવી ગણધર ગૌતમસ્વામી પળભરમાં પામી ગયા કે આ સંસારના નાટ્યમંચ ઉપર એક જ પરિવારમાં પેદા થતાં ભાઈ-ભાઈ, બાપ-બેટા, દાદા-દીકરા, મા-દીકરી વચ્ચે અથવા બે પરિવાર થકી ખડા થતા સંબંધો, જેને નણંદ-ભોજાઈ, સાસુ-વહુ, શેઠ-નોકર, પતિ-પત્ની વગેરે વચ્ચે યા અતિ દુલાર કે અતિ દ્વેષ કયાં કારણોથી અકારણ ઉત્પન્ન થઈ જતા હોય છે? શા માટે એક જીવનાં નેત્રો બીજા જીવ ઉપર નેહ-સ્નેહનાં નીર વહાવે? જ્યારે ત્રીજી વ્યક્તિ ઉપર એ જ નેત્રો નઠારી નારાજી ઠાલવે ? જો સંસારમાં રાગદ્વેષની રમતો ન રમાતી હોત તો સંસારી અને સિદ્ધ વચ્ચે શું ફરક હોત ? પણ.
પણ, એવું કેમ થયું કે પ્રભુ વીર વીતરાગી બની ગયા તોય ખેડુનો દ્વેષ ઠર્યો નહિ. બનવા જોગ છે, હજી તેનાં કર્મો ભારી હોય. પણ શા માટે મને જોઈને તેને હેત ઊભરાયું, અને શા માટે પરમાત્માએ કહ્યું કે, મારા થકી તે જીવ ધર્મ પામશે? ધર્મ પામી આમ ધજાગરા જેવું ભાગી છૂટવાનું કામ કર્યું તો તે ધર્મ પામ્યો કહેવાય કે કેવળીની અશાતના કરી અધર્મ?
જ્ઞાની ગૌતમે પોતાના જ્ઞાનનો ઉપયોગ સુધ્ધાં ન કર્યો, અને પરમાત્માને પોતાના બે પ્રશ્નો રજૂ કર્યા. કારણ કે પોતે માનતા હતા કે ગમે તેવા જ્ઞાની છે, પણ પોતે પ્રભુના કેવળજ્ઞાનરૂપી સૂર્યની સામે નાનકડા તારલિયાના ટમટમાટની શી કિંમત?
પરમાત્મા વિરે રહસ્ય ખોલતાં ખુલાસો કર્યો :
હે ગૌતમ! ખેડુનું મારા પ્રત્યેનું દ્વેષી વલણ સ્વાભાવિક હતું, તેમ તારા પ્રત્યેનું પ્રીતનું વલણ પણ સ્વાભાવિક હતું. કારણ કે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં મારા હાથે હણાયેલો તે વનસિંહ જ્યારે લોહી ઓકતો આળોટી રહ્યો હતો અને છેલ્લા શ્વાસ લેતો હતો ત્યારે વિચારતો હતો કે, હું વનનો રાજા નાના એવા માણસથી હણાયો. ધિક્કાર છે મારા જીવતરને કે મોટા મહારથીને માર્યા કે મહાત કર્યા, પણ મોત તો કમોત દશામાં જ થઈ રહ્યું છે.
“આમ, પોતાના બળની નિંદા કરતો અને પોતાના પરાક્રમનો વિક્રમ તૂટેલો માનતો જ્યારે તે કણસી રહ્યો હતો ત્યારે, હે ગૌતમ! મારા રથના સારથિરૂપે રહેલો તું તે સિંહને સાંત્વના આપવા આવી ગયો. સિંહના આર્ત-રૌદ્ર ધ્યાનને અટકાવવા તેં તારી આગવી મીઠી વાણીથી સિંહને બોધ આપતાં કહ્યું, “વનકેસરી! તું ખેદ ન પામ–કારણ કે તારી હત્યા કરનાર તે નાનો માણસ નહિ, પણ વાસુદેવ બનનાર નરકેસરી પોતે જ છે. તું પશુસિંહ છો, તેમ તે પુરુષસિંહ છે. તું વનનો રાજા કહેવાય, તેમ તે રાજાનો રાજા થનાર છે. માટે એમ ન વિચાર કે કોઈ રેકે તને રોળી નાખ્યો છે. પણ હકીકતમાં એક સિંહથી બીજો સિંહ હણાયો છે. માટે તારું મૃત્યુ ગૌરવરૂપ ગણાય. કેમકે, તેં ઘણાને હરાવ્યા હંફાવ્યા; હવે તને એક નરોત્તમે હણ્યો છે.”
“ગુમાની સિંહનો ગર્વ હળવો થયો ને તારી મીઠી વાણીના પ્રતાપે ગૌરવ માનવા લાગ્યો કે, મરણ પણ મળશે તોય મામૂલી માનવ થકી નહિ, પણ મહામાનવ થકી. આમ પોતાના મનને મનાવી પ્રાણત્યાગ કર્યો. પણ પ્રાણ છોડતા પૂર્વે તેણે મારા પ્રત્યે દ્વેષનાં અને તારા પ્રત્યે રાગનાં