________________
૪૭૨ ]
[મહામણિ ચિંતામણિ
સાવ હળવા રહી પોતાના ગુરુ મહાવીરદેવના સ્થાપિત સંઘને ખીલવવા લાગ્યા હતા. ન જાણે કેટલાય આત્માઓ તેમનાથી પ્રતિબોધ પામી પ્રવ્રજ્યાના પંથને પામી ગયા ને બેજોડ સાધના-આરાધનાનાં સોપાનો સર કરવા લાગી ગયા હતા. પણ.
પણ આમ તડાકાભેર ચાલતા ધર્મવ્યાપારમાં આજે નાની પણ નજરે ચડી જાય તેવી નુકસાની થઈ ગઈ હતી. પળવારમાં પ્રતિબોધ પામેલો હાલિક નામનો ખેડૂત પળવારમાં પરમાત્માને પહેલી નજરે જોતાં જ પ્રવ્રજ્યાનો પહેરવેશ પડતો મૂકીને, ઓઘો ફગાવીને, મુઠ્ઠીઓ વાળી પલાયન થઈ ગયો. પાછાં વળીને પણ ન જોયું કે તેના દગ્ધ દિલને અને નગ્ન ડિલને જોઈ કેટલાય દેવો પણ ગૌતમ ગણધરની તરફ કટાક્ષ સાથે હસી રહ્યા હતા. તેમને ઝપાટાભેર વિચારો આવી ગયા કે, શા માટે આ હાલિક ખેડુને પ્રતિબોધવા ગુરુદેવ પ્રભુ વીરે મને જ મોકલ્યો હશે? શા માટે તેઓએ મોકલતી વખતે ખાતરી પણ આપી કે તારા થકી પેલા ખેડૂતને સારો લાભ થશે? અને જો ખરો લાભ જ થવાનો હોત તો આમ ગણતરીની ક્ષણોમાં તે હાલિક આમ હાલતો ભાગી છૂટત? અત્યાર સુધી આપેલ દીક્ષાદાન પછી કોઈ દીક્ષા આવી નિષ્ફળ ને નકામી નથી ગઈ. આ તો ખરેખર કલંક લાગી જાય તેવી બીના બની ગઈ કહેવાય !
તેમનું શાંત મન ખળભળી ઊઠ્યું. જાણે પ્રશાંત સરોવરમાં પથરો પડ્યો ! છતાંય બે-લગામ જઈ રહ્યા મનને લગામમાં લઈ તેમણે પોતાના બચાવપક્ષે પરમાત્મા પાસે બયાન તો રજૂ કરી જ દીધું. પણ સાથે જિજ્ઞાસા સંતોષવા બે-પાંચ પ્રશ્નો પણ પૂછી લીધા. તેઓશ્રીએ આગળ ધપાવ્યું.
ભંતે! આપશ્રીએ પેલા ભાગી રહેલ ખેડુને પમાડવામાં ઘણો લાભ કહ્યો તેમાં શું રહસ્ય છે? તો પછી તે ખેડુ અમારી પાસે દીક્ષા પામ્યો ને જન્મોજન્મનાં વેર ભૂલી જવાય તેવાં આપશ્રીનાં દર્શન થતાં જ એક વેરીની અદાથી દીક્ષા છોડી કેમ ભાગ્યો? શું મારાથી કોઈ ભૂલ થઈ ?
- પ્રશાંત મુદ્રામાં મહાલતાં કેવળી પ્રભુએ શિષ્ય ગૌતમના લાંબા લચક બયાન પછી તેમના ! તથા દેવોના અને સામે રહેલા સૌના પ્રતિબોધ માટે પોતાનો જવાબ રજૂ કર્યો.
“હે ગોયમ! ભૂલ તમારાથી નહિ, પણ મારાથી જ થઈ ગઈ છે, જેથી મને જોતાં જ || તમારા નવા શિષ્ય છલાંગ મારીને છૂટી જવા આવું અનર્થ કરી નાખ્યું છે.”
સૌનાં મન-મગજમાં મંથન થવા લાગ્યું કે, શું કહેવાતા સર્વજ્ઞ વીતરાગ પ્રભુ પણ ભૂલ | કરી શકે? તો પછી છબસ્થ અને કેવળીમાં શું ફરક? પણ તેટલામાં તો પરમાત્માએ પોતાની ભૂલનો એકરાર કરતી જન્મોજન્મની સત્યકથા કહી સંભળાવી.
વત્સ ગૌતમ ! મારાથી જે ભૂલ થઈ છે તે મારા જ આગળના ભવમાં જ્યારે હું ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો ત્યારે ઘટેલી ઘટના છે. અને નાની કે મોટી ભૂલનું શૂલ વેરના વિપાકો વગેરે કઈ રીતે ફૂલેફાલે અને સમય આવ્યે પોતાનો પ્રભાવ બતાવે તેનો ખરો પરિચય જ આ ખેડૂતે કરાવ્યો. દીક્ષા લઈ તરત દીક્ષા છોડી દેવી એ કોઈ નવી ઘટના લાગે, પણ આ બધા પાછળ રાગદ્વેષનાં તોફાનો રમત રમી રહ્યાં છે, તે જાણવા જેવાં છે.”
સૌ સ્તબ્ધ બની પરમાત્માને સાંભળવા લાગ્યા.