________________
‘તે જૂની છે” એટલા જ કારણસર તોડવાની ચેષ્ટા કેમ કરાય ? તેથી તો ઘણો અનર્થ થઈ જાય.
જો જૂનું હોવું તે ગુનો હોય તો આજે નવાં ગણાતાં મૂલ્યો...સંશોધનો...અને યોજનાઓ આવતીકાલે જૂનાં થવાનાં જ છે...તો શું તે પણ ખતમ કરવા જેવાં ગણાશે ને ?
જેનાં મૂળિયાં ખૂબ ઊંડાં ગયાં છે તેવા આંબાના વૃક્ષને ઊખેડી નાંખવાથી તો ન તો કોઇને આંબો ખાવા મળશે કે ન તો વૃક્ષનો છાંયડો.
આજના કાળમાં જૂનાં વૃક્ષોને કાપી નાંખીને જંગલોના જંગલ સાફ કરાય છે અને બીજી બાજુ વૃક્ષારોપણ સપ્તાહો ઊજવાય છે. વૃક્ષારોપણ કરતા મુખ્યપ્રધાનોના ફોટાઓ અખબારોમાં છપાય છે. આ બધી મૂર્ખતા નથી તો બીજું શું છે ? ગાંધીજીનાં વચનો : - ગાંધીજીએ પરંપરાગત મૂલ્યોને બિરદાવતાં જે વચનો “હિન્દ-સ્વરાજ” પુસ્તકમાં કહ્યાં છે તે વાંચવા જેવા છે. તેમણે કહ્યું છે કે, “અમારી પરંપરાગત મૂલ્યોની મૂડીમાં કોઇ સુધારો-વધારો કરજો મા ! કેમકે અમારાં એ મૂલ્યો નીતિ અને ઇન્દ્રિયનિગ્રહ ઉપર ઊભાં છે. આજના કહેવાતા સુધારાઓ નીતિ અને નિગ્રહ વિનાના છે. એવા સુધારાને તો હું સો સો કાળા નાગથી ભરેલો રાફડો કહું છું.”
બીજી એક જગ્યાએ તેમણે આ જ સંદર્ભમાં લખ્યું છે કે, “આજના સુધારાથી કોઇ લાભ ભલે થયો હશે, પણ તેટલા માત્રથી હું તેને સારો નહિ કહું, કેમકે તેના દ્વારા નુકસાન પણ પુષ્કળ થતાં હોય છે. આથી એ સુધારો કથાઓમાં આવતા મણિધર નાગ જેવો છે, જે મણિના કારણે સુંદર હોવા છતાં ઝેરના કારણે ખતરનાક છે.”
ગાંધીજીના આ વિચારોને આજના સુધારાવાદી અને કહેવાતા ગાંધી ભક્તોએ ખાસ મનન કરવા જેવા છે. ગાંધીજીના વિચારોનો સૌથી વધુ નાશ કહેવાતા ગાંધી-ભક્તોએ (કે ગાંધીવાદીઓએ) જે કર્યો છે એમ કહું તો તે કદાચ ખોટું નહિ હોય.