________________
ત્યાં...એકાએક કોઇ યુવતીના ઝાંઝરનો રણકાર સંભળાયો. જોગીદાસ સાવધ બની ગયો. તેટલામાં પડદો ખસેડીને એક યુવતી જોગીદાસની સામે આવી ઊભી.
એના મુખ ઉપર રહેલા હાવભાવ વગેરે જોઇને જોગીદાસ એ યુવતીની કામવાસનાને જાણી ગયો હતો. પણ...આ તો જોગીદાસ હતો. પરસ્ત્રીને મા-બેન સમાન ગણવાના એના સોગંદ હતા.
પેલી યુવતીને જોગીદાસે પૂછયું “બેન ! તું કોણ છે ?' ત્યારે પેલી સ્ત્રી બોલીઃ “જોગીદાસ ! મને બેન' ન કહો. હું તો તમારી “વીરતા' ને જોઇને આફરીન પુકારી ગઇ છું અને તમારી પ્રિયતમા બનવા અહીં આવી છું.”
“બેન ! ભૂલીશ નહિ. મારામાં જેમ વીરતા છે. તેમ પવિત્રતાય ભરપૂર છે. એ પવિત્રતાને તે જોઈ લાગતી નથી. જા...ચાલી જા. મારા એક હાથમાં તમંચો છે, તો બીજા હાથમાં માળા છે. મારો એકેય હાથ તને સ્વીકારવા ખાલી નથી.' જોગીદાસે કહ્યું.
મને ગમે ત્યાં સમાવી લો. મને તમારી બંદૂક બનાવો કે માળા ! પણ હું અહીંથી પાછી નહિ જાઉં.” યુવતી બોલી.
“અરે ! ઓ બેવકૂફ સ્ત્રી ! આ જોગીદાસ ખુમાણ છે. બહારવટિયો છે. પણ દુરાચારી નથી. એને એનોય પરલોક દેખાય છે. જા...સમજીને પાછી વળ...નહિ તો મારે તને ઢસડીને બહાર કાઢવી પડશે.'
છતાંય...જ્યારે તે યુવતી પાછી ન જ ગઇ ત્યારે જોગીદાસે પોતાના એક સાગરીતને જગાડીને તેને જબરજસ્તી કરીને બહાર કઢાવી મૂકી. - આવા હતા પાપભીરુ અને સદાચાએમી આર્યદેશના ચોર અને બહારવટિયા !
આજે તો શાહુકારના લેબાશમાં જીવતા, સફેદ ડગલાવાળા કહેવાતા સજ્જનો (!) એવાં પાપો આચરે છે કે જેનું વર્ણન કરતાં ચક્કર આવી જાય !
આજનો માનવ સ્વાર્થી જ નહિ, સ્વાર્થાન્ત બન્યો છે. પોતાનાં વ્યક્તિગત સુખો ખાતર, પોતાની મોજમઝા અને વાસના ખાતર ઘણી સ્ત્રીઓ પોતાના પેટમાં પેદા થઈ રહેલા બાળકનું ખૂન કરી નાંખે છે અને એને ગર્ભપાતનું રુપાળું નામ આપે છે.