________________
પરણ્યાને જેને હજી ચોવીસ કલાક પસાર થયા નથી તેવા વજબાહુએ મહાત્માના દર્શન કરવા જવા માટે રથને થોભાવી દીધો. વજબાહુના મુખ ઉપર રહેલી વિરાગની કાંઇક ઝલકને જોઇને સાળા ઉદયસુન્દરે બનેવીની મશ્કરી કરી : “કેમ બનેવીજી ! આ મહાત્માના દર્શન કરતાં કાંઈ સાધુ બની જવાની ભાવના તો નથી જાગી ગઇ ને ? જો જો હોં. એવું કાંઇ હોય તો કહેજો. તમે મારા ગુરુ અને હું તમારો ચેલો. સારા કામમાં તો આપણે સાથે જ હોઇએ ને ?”
ત્યારે વજબાહુ બોલ્યા: “સાળાજી ! આ મહાત્માનું દર્શન કરતાં અને એમનું પ્રસન્નતાભર્યું, એકાંતે આનંદભર્યું જીવન જોતાં મને તો સાધુ થઈ જવાનું જ મન થાય છે અને એમાં વળી તમારા જેવા સાથ આપતા હોય પછી બીજો વિચાર કરવાનો શા માટે હોય ?”
વસંતશૈલ ટેકરી ઉપર ચડતાં કુમાર વજુબાહુની ચાલ બદલાઈ ગઈ. ક્ષણભર પહેલાં સુખી સંસારનાં સપનાં જોનારી તેમની આંખો, તેમનાં વેણ, તેમની મુખાકૃતિ બધું જ બદલાઈ ગયું. કે હજી તો મનોરમા સાથેના બંધાયેલ છેડા પણ છુટયા નથી. ત્યાં જ વજબાહુની વૈરાગ્યની વાતો અને વૈરાગ્યભરેલા રંગ-ઢંગ જોઇને સાળો ઉદયસુંદર ચમક્યો:
“પણ...બનેવીજી ! ખરેખર જો તમે દીક્ષા લેવા ઇચ્છતા હો તો તમે મારી બેનનો કાંઇ વિચાર કર્યો ? તમારા ચાલ્યા જતાં એનું કોણ ?”
ત્યાં વાજબાહુ પળભર થંભી ગયા અને બોલ્યા: “ઉદયસુંદર ! તારી બેન મનોરમા કુલીન છે કે અકુલીન ? જો તે કુલીન (ખાનદાન) હશે તો તો કાંઇ વિચારવાનું રહેતું જ નથી. પતિનો માર્ગ એ જ ખાનદાન પત્નીનો માર્ગ. હું દીક્ષા લઉ તો એ પણ દીક્ષા લઇને આત્મકલ્યાણ સાધી લે.
“અને જો અકુલીન (બિનખાનદાન) હોય તો પણ તેનો માર્ગ કલ્યાણકારી થાઓ. પરંતુ મારે સંસારના આ ભોગો હવે ન ખપે.”
ખલાસ...બાજી પલટાઇ ગઈ. અત્યાર સુધી સુખભર્યા સંસારનાં સોણલાં. સેવતી મનોરમાનું મન પતિના ઉપર્યુક્ત વચનો સાંભળીને પલટાઇ ગયું. તેણેય દઢ સંકલ્પ કરી લીધો: “જે માર્ગે પતિ...તે જ માર્ગે મારું પણ મંગલ પ્રયાણ હજો.”