________________
પેલી રૂપવતી કન્યાએ આંગળીનો ઇશારો કરીને તે ભાઇનું ઘર બતાવી દીધું. લોચનદાસ તો તે ભાઇના ઘરે પહોંચી ગયો.
નિયત મુહૂર્ત લોચનદાસનાં તેની મંગેતર સાથે લગ્ન થઇ ગયાં.
રાત પડી. બંને પતિ અને પત્ની શયનખંડમાં ભેગાં થયાં. જ્યારે લોચનદાસે પેલી કન્યાનું મોં જોયું ત્યારે તે તો આભો જ બની ગયો. “અરે ! આ તો એ જ કન્યા ! જેને આજે સવારે મેં મારા ભાવિ સસરાનું ઘર પૂછેલું ! અને આ કન્યાને તો મેં “બેન !” કહીને સંબોધેલી..”
' પેલી કન્યા પણ સ્તબ્ધ બનીને લોચનદાસ સામે જોઇ રહી. એને પણ સવારની સઘળી ઘટના યાદ આવી ગઈ.
ધીરે રહીને તે કન્યામાંથી નવોઢા બનેલી નારીએ લોચનદાસને કહ્યું “આજે સવારે આપે મારું જ ઘર પૂછતાં મને “બેન !' કહીને સંબોધી હતી ને ? તો હવે આપની “બેન' બની ગયેલી મારાથી આપની સાથે “પત્ની તરીકેનો વ્યવહાર કેવી રીતે થાય ?
“કાંઇ વાંધો નહિ. હું આ જિંદગીમાં આપની “બેન જ બની રહેવા ઝંખું છું. આપ બીજી કોઈ કન્યા સાથે લગ્ન કરી લો અને સુખેથી સંસાર માંડો, પરંતુ મારી આપને વિનંતી છે કે આપ મને આપનાં ચરણોની સેવામાં રાખો. મને સેવાની ભૂખ છે, વાસનાની નહિ. મારી આટલી પ્રાર્થના આપ સ્વીકારો.”
પોતાના સુખનું અદ્ભુત બલિદાન આપીને પતિના સુખની જ ઝંખના કરતી આ નારી પ્રત્યે લોચનદાસનું અંતર નમી પડ્યું. એની આંખો અશ્રુજળથી ઊભરાઈ આવી. ' લોચનદાસે કહ્યું “તું મારા ખાતર જે બલિદાન આપવા તૈયાર થઇ છે તેને હું એળે નહિ જવા દઉ. હવે તને છોડીને હું બીજી સ્ત્રી સાથે લગ્ન કરું તો કલંકિત ગણાઉ. ના...આપણે બેઉ હંમેશ સાથે જ રહીશું. હા...જીવનસાથી...! પણ પતિ અને પત્નીરુપે નહિ તો ભાઈ અને બેન રુપે...પછી તને કાંઇ વાંધો છે ?”
અને લોચનદાસની આ અદભુત વીરતા ઉપર એની પત્ની પણ ઓવારી ગઇ. ત્યાર બાદ બંને જણાએ જીવનપર્યત બ્રહ્મચર્યનું પાલન કર્યું.