________________
આર્ય દેશ, આર્ય ભવ, આર્ય જાતિ અને આર્ય કુળ આ તમામ આપણા માટે સરિયામ નકામાં નીવડ્યાં.
જેણે પોતાના વ્યવહારમાં, પોતાના સમાજમાં, પોતાની જ્ઞાતિ વગેરેમાં ઊંચું મોભાસરનું જીવન વિતાવવું હશે એણે નિન્દનીય પ્રવૃત્તિઓનો ત્યાગ કર્યો જ છૂટકો છે.
જેના જીવનમાં ભરપૂર વિલાસિતા, નકરો ભોગાભિલાષ, સામાજિકધાર્મિક નીતિઓના નિયમોના-નિયત્રણોથી મુક્ત સ્વચ્છન્દ- વિહારિતા વગેરે નિત્ત્વ પ્રવૃત્તિઓ હશે તેનું સમાજમાં કશુંય મોભાદાર સ્થાન રહેતું નથી. તેનો આ ભવ બરબાદ થાય છે...ધનથી, પ્રતિષ્ઠાથી, આરોગ્યથી અને કૌટુંબિક સુખશાંતિથી....અને તેવાઓનો પરભવ પણ ખતમ થઇ જાય છે, સદ્ગતિઓથી...!
જેને આ લોકમાં સુખ-શાંતિ કે સન્માન ન મળે અને પરલોકમાં સારી ગતિ (માનવ કે દેવ ગતિ) ન મળે તેવા આત્માઓના માનવજીવનની શી કિંમત ? ધૂળ જેટલી.
અનિયંત્રિત ભોગવિલાસ ભરેલું જીવન જીવનનો થોડોક જ સમય સુખ (અલબત્ત...તે સુખ પણ ભ્રાન્ત સાચું નહિ...) આપે છે. બાકી અતિ દીર્ધકાળ તેના કટુ પરિણામનો ભોગ થવું જ પડતું હોય છે. અતિ વિલાસી માણસો સુખી નથી ?
પ્રાયઃ અતિ વિલાસી અને સ્વચ્છંદી માણસોનાં મન સંતૃપ્ત હોતાં નથી. તેઓ ખરા અર્થમાં સુખી હોતા નથી. તેમને કૌટુંબિક જીવનમાં શાંતિનો અનુભવ થતો હોતો નથી. કાં તો તેમની પત્ની અત્યંત કજિયાળી હોય છે, કાં તો સંતાનો ઉન્માર્ગગામી હોય છે અથવા ઉદંડ અને ઉચ્છખેલ હોય છે. કાં તો એવા માણસો ગવર્નમેન્ટની મુશ્કેલીઓમાં સતત અટવાતા રહીને માનસિક રીતે અતિ વ્યાકુળ હોય છે. આમ પ્રાયઃ એમના જીવનમાં સુખ-શાંતિ હોતાં નથી.
માતા અને પિતાના જીવનમાં અસદાચાર વગેરેનાં મોટાં પાપો હોય તો તેમનાં સંતાનોમાં પણ તેઓ ન ઇચ્છતા હોય તો પણ અકાળે એ દુર્ગુણોનું પ્રતિબિંબ ઝીલાઈ જતું હોય છે અને ત્યારે માતા-પિતા માટે માથાના શૂળ જેવી ચિંતાઓ વ્યાપ્ત બની જતી હોય છે.