________________
૨૬૬
સાધનાપથ અને આત્મજ્ઞાન
સમ્યગ્દષ્ટિવાન- સ્વના કે પરના - કોઈનાય હિતને ખંડિત થવા દે નહીં. હિત વિષેની પોતાના હૈયામાં જે અનેરી ને ગહેરી સૂઝ છે એ વડે એ સર્વ કોઈનું બની શકે એટલું મહત્તમ આત્મહિત સર્જાય એમ જ. પરમજાગૃતિપૂર્વક - પ્રવર્તે છે.
સમ્યગ્દષ્ટિવંત, સમષ્ટિના હિતના ભોગે સ્વનું હિત કે સ્વહિતના ભોગે સમષ્ટિનું હિત સાથે નહીં. સ્વપનશ્રેયનું કેવું અદ્ભુત સંતુલન એ સાધી રહે તે વર્ણન થઈ શકે નહીં. સ્વયં સહજસુખના સાગરમાં ડ્રવ્યા રહે અને પાત્રજીવને એ માર્ગ દેખાડે.
સાધનાપથની જ જેને સ્પષ્ટ રૂપરેખા-ગતાગમ નથી એ અનંતની યાત્રા શું કરશે ? વિશુદ્ધજ્ઞાનમાંથી પ્રગટતું અમિતસત્વ એ ક્યાંથી પેદા કરશે ? પુરુષાર્થની અનંત ઘેરાશ ક્યાંથી આણશે ? ચેતનાનું અસીમ ઉધ્વરોહણ એ કેમ કરી સાકાર કરી શકશે ?
પોતે શું સાધવા તલસે છે. એ ક્યા ઉપાયથી સાધ્ય બને તેમ છે ? એનું તો ‘વિશદજ્ઞાન સાધકહૃદયમાં ખીલેલું હોવું જોઈએ. ખરેખર બહુમાં બહુભાગ જીવોને આવું કશું જ્ઞાન-પરિજ્ઞાન જ નથી ! ધમાધમો ઘણી થાય છે પણ જ્ઞાનમાર્ગનું લક્ષ જ નથી !!!
સમ્યગ્દષ્ટિ એવા ચક્રવર્તીઓ તથા રાજા-મહારાજાઓને - એક અર્થમાં - જ્ઞાનીઓ ‘અપરિગ્રહી’ કહે છે. કારણ, સામગ્રીમાં એમને કોઈ મારાપણાનો ભાવ મુદ્દલ નથી. અહાહા...! આટલા વૈભવો મળે પણ આસક્તિરહિત રહેતા એ ધર્માત્માઓ કેવા ‘આત્મજાગૃત' હશે !?
સંબંધોને જીવો સુખનું કારણ માને છે. જ્ઞાનીઓ કહે છે કે સંબંધમાત્ર દુઃખના કારણ છે. જીવ જેટલો સંબંધને વળગેલો છે, એટલો એ અવશ્ય ઘેરા વિજોગદુઃખને પામવાનો છે. સર્વ પ્રકારે, સંપૂર્ણપણે આત્મનિર્ભર થઈ જવું એ જ સર્વદુઃખમુક્તિનો ઉપાય છે.
અગણિત પરિવાર અને સ્નેહીજનોથી વિંટળાયેલા છતાં અંદરથી અકેલા ‘આત્મમસ્ત' જ રહેતા સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીઆદિ કેવા પ્રજ્ઞાવંત - પ્રબુદ્ધ હશે ? એમનો તત્ત્વબોધ કેવો વિશદકોટીનો હશે ? કે સર્વ પરિવાર પરિહરી જોગી બની જતા હશે ?