________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૩૦
જ્ઞાનીની વાણી કેવી શીઘ ભ્રાંતિ છેદક છે – અગણિતકાળની દઢ થયેલ ભ્રમણાઓ એ કેવી ચમત્કૃતિથી ભેદી શકે છે – એનો પરિચય જ્યારે જીવને લાવે છે ત્યારે એનું અંતઃકરણ જ્ઞાની પ્રત્યે અહોભાવથી ઉભરાયને વિશેષ વિશેષ સત્સંગની રુચિવાળું થઈ જાય છે.
આત્માર્થી સાધક છકીને ક્યારેય... અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહની આચારસંહિતા લેશ ચૂકતો નથી, એની ન્યાયનિષ્ઠતા અપ્રતિમ હોય છે અને ચાહે તેવા પ્રલોભનો કે ચાહે તેવા પરિસહોમાં પણ અચૂક જળવાય રહેતી હોય છે.
મારો અંતરાત્મા – મારો અંતર્યામિ – મારું ઊંડામાં ઊંડું અંતઃકરણ જેમાં સંમત ન હોય એવું કાર્ય હું - ચાહે તેવું મન થતું હોય તો પણ – આચરવા માંગતો નથી. આનંદના બદલે હું પ્રગાઢ ઉદાસી પણ પસંદ કરીશ, – જો અંતર્યામિને એ સંમત હોય.
દુન્યવી અલ્પ આનંદ લેવા જતાં... અંતર્યામિના અબોલા વેઠવા પડે એવી ભૂમિ હું હવે નહીં જ કરૂં. અસ્તિત્વ આનંદ આપે તો આનંદ ભલો – અને અસ્તિત્વ ઉદાસી આપે તો ઉદાસી ભલી. હું તો અસ્તિત્વને જ આલિંગી જીવવા ચાહું છું.
માણસ પાસે સાધન-સંપત્તિ કેટલો છે એના ઉપર માત્ર પરિગ્રહનો આધાર નથી, પણ એમાં એ કેવો આસક્ત છે મનોમન એનો કેવો રસ વેદે છે. એની સાર-સંભાળમાં એ કેવો વ્યસ્ત ને વ્યગ્ર રહે છે એના ઉપરથી પરિગ્રહી કે અપરિગ્રહનું માપ નીકળે છે.
મન કેવું નકામું અને નઠારૂં ચિંતવ્યા કરે છે...ચિંતવ્યા જ કરે છે. મનના દોર્યા ચાલવાના બદલે અંતરાત્માનો ગહનનાદ સૂણી એના દોરવ્યા ચાલવાનું કરવા જેવું છે. એ ન બને તો જ્ઞાનીનો આદેશ શિરોધાર્ય કરી એ આદેશ મુજબ ચાલવું પરમહીતાવહ છે.
પાત્રતાની વાત એવી મહાન છે કે - જગતના જીવોમાં જો જ્ઞાનીને હાર્દથી પિછાણવાની અને જ્ઞાનીના બોધને આત્મસાત કરવાની પાત્રતા હોત તો અનંતા જ્ઞાનીઓ આ અવની છોડી સિદ્ધલોકમાં ચાલ્યા ગયા ન હોત. લાખોમાં લાધે નહીં અને કરોડોમાંય કોઈક” – પાત્ર હોય તો.