________________
૧૯૯
સાધનાપથ અને આત્મજ્ઞાન
=
હે સાધક ! ખરેખર કરવા જેવું કામ તો વાંછાઓનું વિશોધન છે. જીવનમાં ભરાયેલી અગણિત વાંછાઓના સારભૂત પ્રભાવ તળે ભાવીમાં કુદરત ફળ આપે છે. અગણિત વાંછાઓના સમુચ્ચયરૂપે જ ભાવી જન્મોનું પ્રારબ્ધ ઘડાય છે.
વાંછાઓનું વિશોધન કાર્ય ઘણી ગહેરી સમજદારી માંગે છે. ઘણું ગાંભીર્ય માંગે છે. જીવને સુધબુધ જ નથી કે ખરેખાત શું વાંછનીય છે – પોતાની જ વાંછાઓ વડે પોતાનો વિનિપાત નોતરી, જીવ પોતાના જ પગ ઉપર કુહાડો મારવાનું કામ કરે છે. ખૂબ ખૂબ ચિંતનીય મુદ્દો છે આ.
નિષ્કામ થવાની વાતો તો ખૂબ ખૂબ ન્યારી પ્યારી સારી છે. નિષ્કામદશામાં જે ગહનસુખ છે એવું તો કોઈપણ વાંછામાં નથી જ. ભાઈ...વાંછા માત્ર નવું બંધન સર્જે છે અને બંધન માત્ર અનંત મુક્તિસુખનો લોપ કરનાર નીવડે છે.
બધી જ વાંછાઓનો વિલય થઈ જાય તો અવતાર ધારણ કરવાનો રહેતો નથી. પણ કોઈપણ સ્પૃહી વિનાની ‘શુદ્ધચૈતન્યદશા' કેવી પરમભવ્ય હોય એ બુદ્ધિથી જણાય એવું નથી – એના માટે એવી આત્માનુભૂતિ પામવા સિવાય કોઈ ઉપાય નથી.
શુદ્ધ ચૈતન્યદશા કેવા અનુપમ આનંદની જનક છે એ વાત સામાન્યતઃ સાધકોને પણ માલુમ નથી અને માલૂમ હોય તો પણ એવા અનુભવની ઝાંખી મળ્યા પહેલા એ વાત એવી શ્રદ્ધેય બનતી નથી. અનુભવ પામવા પ્રયત્નશીલ થવું એ જ તાત્પર્ય છે.
બુદ્ધિની પહોંચ બહારની જે વાત છે અને જે વાત કેવળ સ્વાનુભવે જ ગણ્ય થાય એવી છે એનો વાણીમાં વ્યક્ત કરવાનો તો કોઈ ઉપાય નથી; તેમ છતાં સુપાત્ર શિષ્ય એવા કોઈ અનુભવી પુરુષની છાયામાં રહી એનો સબળ ઇશારો અવશ્ય પામી રહે છે.
આત્મતત્વ જ એવું અનંત અનંત ભવ્ય છે કે એનું વર્ણન અનંતમા ભાગે પણ સંભવ નથી. અનંત ગહેરાઈમાં ઉતરો તો પણ અનંત અનંત નવી ગહેરાઈ ખેડવાની સદાકાળ બાકી જ રહેવાની... અનંતના યાત્રીઓ આ તથ્ય સુપેઠે જાણતા હોય છે.