________________
૧૭૫
સાધનાપથ અને આત્મજ્ઞાન
આત્મહિતની ખરેખરી લગન લાગે તો તન-મનની બધી સુખશીલતા આપોઆપ ઓસરી રહે. અગાધ અગાધ આત્મહિત સાધવામાં રચ્યા-પચ્યા રહેનારને કાયાની આળપંપાળ કરવાનો અવકાશ જ ક્યાં છે ? એવો લગીર અવકાશ નથી.
કાયા મુખ્ય થાય તો આત્મા ગણ થાય – ને – આત્મા મુખ્ય થાય તો કાયા ગણ થાય, એ તો સીધો હિસાબ છે. અપાર્થિવ લાભ મેળવવા તમારે પાર્થિવ લાભો છોડવા પડે. સત્યને આત્મસાત્ કરવા દુન્યવી માયા-મમતા જતા કરવા પડે.
આ ઉપરથી એમ સમજવાનું કે કાયા ઉપર બળપ્રયોગ કરી કરીને એને તપ-ત્યાગ-તિતિક્ષામાં જોડવી. ના. વાત સહજતાની છે. આત્મહિતની લગન જ એવી પ્રબળ જાણે કે રસમસ્તીમાં કાયાની માયા સહેજે સહેજે વિસરાય રહે.
આત્મહિતનો અણમોલમાં અણમોલ અવસર વીત્યો જાય છે. તનની કે મનની આળપંપાળમાં વખત ગુમાવવો એ રાખ મેળવવા ચંદનકા બાળવા જેવું પામર કૃત્ય છે. આત્મજાગૃતિ આણીને આત્મહિતમાં જ શેષ સમય વ્યતીત કરવા જેવો છે.
આ કાયા.ખરું પૂછો તો...અનંતકાળથી આત્માની વેરણ થતી આવી છે. ઝટ ગળે નહીં ઉતરે. પણ ઘણી વાસ્તવિક હકીકત છે. આત્માનું અનંતભવ્ય હિત થવામાં કોઈ બાધા નડી હોય તો એ આ કાયાની માયા જ મહાબાધારૂપ બની છે.
કાયાએ અનંતીવાર આત્મદેવને દગો દીધો છે...હસાવવાના બદલે એણે હૈયાફાટ રડાવ્યા પણ છે. પીંજરામાં પૂરાયેલ મજબૂર કેદી હોય એવી આત્મદેવની દશા થઈ છે. ખાસ કરીને જરાવસ્થામાં એણે પળપળ પરિતાપ કરાવેલ છે.
આત્માની કાયા સદાકાળ દોસ્ત જ રહી છે એવું કાંઈ નથી. ઘણીવાર દુશ્મન પણ થઈ છે. પોતાની આદતોથી મજબૂર બનાવી એણે આત્માના ગૌરવને ચૂરચૂર પણ કરેલ છે. ભોગ-ઉપભોગમાં સંયમ ચૂકી એણે પોતાને અને આત્માને અસ્વસ્થ પણ બનાવેલ છે.