________________
૧૭૩
સાધનાપથ અને આત્મજ્ઞાન
સદ્દગુરુના અમાપ ઉપકારને જે જીવ સમજતો નથી એના જેવો ઘોર પામર જીવ બીજો કોઈ નથી. સત્સમાગમથી પણ જેનો અહંકાર ઓગળતો નથી, એ જીવે આત્માની આનંદદશાને પામવા બિલકુલ પાત્ર જ નથી.
જેનામાં કૃતજ્ઞતા' નામનો ગુણ નથી...ઉપકારીઓના ઉપકારને ય જે જીવ ભૂલી જાય છે – એવો જીવ આત્માર્થ સાધવા પાત્ર નથી. કોઈ વિચક્ષણ જ્ઞાનીજન આવા અપાત્ર જીવને બોધ પમાડવાની વ્યર્થ મથામણ કરતાં જ નથી.
આત્મબોધ પામવા અર્થે પણ એક ખાસ – રૂડા પ્રકારની – પાત્રતા જોઈએ છે. સરળતાપૂર્વક પલટાવાની તૈયારી જોઈએ છે. ગુરુ પરત્વે અપાર સમર્પિતભાવ જોઈએ છે. નિરાગ્રહી – નમ્ર અને નિર્મળચિત્ત જોઈએ છે. નિરાગ્રહીપણાની તો ખૂબ જરૂર છે.
જ્ઞાનીના અને પોતાના મંતવ્યમાં ફેર માલૂમ પડે તો સુપાત્ર જીવ એવો અવકાશ રાખે કે કદાચ મારી જ ભૂલ હશે. નિષ્કામ ને નિરાગ્રહી જ્ઞાનીને ખોટું બોલવાનું કોઈ કારણ નથી, પાત્ર જીવ પોતે પણ ભૂલતો હોય એવો અવકાશ તો પ્રત્યેક બાબતમાં રાખે છે.
ઝટપટ જે જ્ઞાનીને ખોટા ઠેરવી દઈ પોતાનું મંતવ્ય ખરૂં ઠેરવવા ઉત્સુક થઈ જાય છે – વાદવિવાદ કે વિતંડાવાદમાં પણ ઉતરી જાય છે, એવો નઘરોળ જીવ મુક્તિમાર્ગના માર્મિક રહસ્યો જાણવા-સમજવા લગીર પાત્ર નથી.
અપાત્ર જીવને નિશ્ચયાત્મક સત્યોનો ઉપદેશ આપવાથી એનું કંઈ ભલું થતું નથી. ઉર્દુ એ સ્વચ્છેદ ચઢીને, પોતાના આત્માને અને બીજાનો આત્માને પણ હાની જ પહોંચાડે છે. ગહન સર્બોધ પામવા પણ ગહન પાત્રતા જોઈએ છે.
હું કોઈ પુરૂષ નથી: સ્ત્રી નથીઃ નપુંસક નથીઃ બાળક નથી: યુવાન નથી: પ્રઢ નથીઃ વૃદ્ધ નથીઃ સુરૂપ નથીઃ કુરૂપ નથીઃ હું કોઈ રૂપી પદાર્થ નથી – પણ – અત્યંત સુક્ષ્મપ્રજ્ઞાથી પકડાય એવો અરૂપી પદાર્થ છું – એવું આત્મભાન જગાવવું જોઈએ.