________________
૯૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
જો મૂળમાંથી ચારિત્રની શુદ્ધિ કરવી હોય– ઉપલક નહીં પણ અંતરતમની ચારિત્રશુદ્ધિ સાધવી હોય – તો, આંતરિક સમજણને સુધારવા સંનિષ્ઠ પ્રયત્ન કરવો ઘટે છે. સમજણથી ભાવચારિત્રનિર્મળ થશે તો આચરણ પણ સ્વતઃ નિર્મળ બની જશે જ.
જીવ જાણે છે પારાવાર...જાણપણાનો ગર્વ પણ પારાવાર છે – પરંતુ જાણપણાની સાથે નિર્ણયાત્મક દઢતા જે પ્રમાણમાં હોવી ઘટે તે જીવમાં મુદ્દલ નથી. સઘળું ય જાણી જાણીને ય જો નિષ્કર્ષરૂપે નિજાનંદ ભણી ન વળાતું હોય તો એ જ્ઞાનસંચય શું કામનો ?.
જીવ જો પોતાને અચ્છો જ્ઞાની માને છે તો એણે તલાસવું જોઈએ કે પોતામાં પાર વિનાની કિંકર્તવ્યમૂઢતા કેમ છે? ભાઈ જ્ઞાનને તો નિરંતર તાજું અને તેજસ્વી રાખવા ખૂબ પ્રયત્નશીલ રહેવું પડે છે – તો જ ખરા કર્તવ્યની સભાનતા બની રહે છે.
જીવ, વારું તને...તું તને વાસ્તવમાં જ્ઞાની.ધ્યાની માની બેસ માં. તું જો ખરે જ સુજ્ઞાની છે તો તારા આત્મામાં જ કાં ઠરી જતો નથી ? તું જો ખરે ધ્યાની છે તો આટલા બધા સંકલ્પ-વિકલ્પથી તારૂં ચિત્ત ગ્રસિત કેમ છે ?!
જ્ઞાનનો વિશદુબોધ લાધ્યો હોય તો એ જીવ વાસ્તવિકતામાં રાચતો હોય – જૂઠી કલ્પનાઓમાં રાચે નહીં. વાસ્તવિકતા નિહાળતું જ્ઞાન રાગના વમળમાં અટવાય નહીં. – દ્વેષની આંધીમાં સપડાય નહીં ઉર્દુ એ રાગ-દ્વેષનો ક્ષય કરનાર બની રહે છે.
જે માનવી કોઈપણ વસ્તુસ્થિતિને વાસ્તવિક રીતે જાણતો કે મૂલવતો નથી અને કાલ્પનિક ચિંતનના ચકરાવે ચઢી જાય છે, એનું જ્ઞાન કદીય મુક્તિસાધક થતું નથી. મોટાભાગના કહેવાતા સાધકો પણ જ્ઞાન-ધ્યાનના નામે મનના તરંગો જ પોષતા હોય છે.
@ s વસ્તુસ્થિતિના વધુને વધુ પાસા પહેચાનવા જ્ઞાની પ્રયત્નશીલ હોય છે. જ્યારે અજ્ઞાની અધુરૂં દર્શન કરીને અભિપ્રાય બાંધવા મંડે છે. જ્ઞાની ઝટ કોઈ અભિપ્રાય બાંધી લેતા નથી. – એ તો બાંધેલા અભિપ્રાયને પણ ફેરવવાનો સદા અવકાશ રાખે છે.