________________
“સાગર શાંત થયો!'
શ્રી પદમશીભાઈ ખીમજી છેડા ૧૪, નવયુગ સોસાયટી, રોડ-૪, વીલેપારલા જુહુસ્ક્રીમ, મુંબઈ-૫૬. ફોન ઃ ૫૭૦૫૭૬
અત્યારે મારી ઉંમર ૫૮ વરસની છે. હું જ્યારે નાનો નિશાળીયો હતો અને કચ્છ ગોધરામાં દરબારી સ્કૂલમાં ભણતો હતો. તે વખતે વાહન વ્યવહાર બહુ ઓછા હતા. કચ્છ અબડાસાનાં તીર્થો જેવા કે સુથરી, કોઠારા, નળીયા વગેરે ઠેકાણે જાત્રાએ દર્શનાર્થે જવું હોય તો ગાડાઓથી જવાતું અને રાતો પસાર કરવી પડતી હતી. તે વખતે પાલીતાણા યાત્રાએ જવા માટે કોઈ સરળ વાહનવ્યવહારનો માર્ગ ન હતો. લગભગ પીસ્તાલીસેક વરસ પહેલાંની ઘટનાનો હું ઉલ્લેખ કરી રહ્યો છું. એક વખત હું મારા મોટા ભાઈ ભાભી સાથે પાલીતાણા જવા નીકળ્યો હતો. ગોધરાથી માંડવી બળદગાડીમાં બેસીને આવ્યા. અને માંડવી બંદરથી ઓખા જવા માટે વ્હાણમાં/બોટમાં બેઠા. લગભગ અમો પચીસેક જણા હોઈશું એવો મારો અંદાજ છે. તે વખતે પાલીતાણા જવા માટે ઓખા, જામનગર, રાજકોટ થઈને જવાતું. સામાન્ય રીતે માંડવીથી ઓખા જવા માટે વહાણમાં તે વખતે આશરે ચારેક કલાકનો રસ્તો હોવો જોઈએ. અમો વહેલી સવારે નીકળ્યા હતા. જ્યારે મધ્ય સમુદ્રમાં આવ્યા ત્યારે વા-વંટોળથી દરિયામાં તોફાન જામ્યું અને અમારું વહાણ હાલક ડોલક થવા લાગ્યું. જેમ જેમ ઓખાની ગાડી નજીક પહોંચતા ગયા તેમ તેમ તોફાન વધતું ચાલ્યું અને મોજાં દશથી પંદ૨ ફૂટ જેટલા ઉપર ઉછળવા લાગ્યા. સાગરનું તાંડવ
5
જોઈને અમારો જીવ અધ્ધર થઈ ગયો. જાણે આ મોજાની સાથે કે બીજા મોજામાં દરિયાની અંદર ગરકાવ થઈ જઈશું એમ લાગ્યું. અમો બધા એટલા બધા ભયભીત અને ચિંતાતુર થઈ ગયા હતા કે ન પૂછો વાત. ત્યારે દૈવયોગે ‘નમસ્કાર મહામંત્ર' યાદ આવી ગયો અને મહાન તીર્થાધિરાજ શત્રુંજયનાં દાદા આદીશ્વર ભગવાન યાદ આવ્યા. જેમનાં દર્શને અમે જઈ રહ્યા હતા. અમો બધાએ એ મંત્રની મોટે સાદે ધૂન મચાવી. સાગરનું તાંડવ નૃત્ય
તો ચાલી રહ્યું હતું અને એની સાથે અમારું મંત્રનું સંગીત ભળ્યું. જાણે સાગરને પણ એમાં મજા પડી!...ધીરેધીરે એનું નૃત્ય શાંત થવા મંડ્યું. વા વંટોળ શમી ગયો અને કલાકેક પછી અમોએ કાંઈક રાહત અનુભવી. દરિયો શાંત થતો ચાલ્યો. ખલાસીઓ પણ પોતાનાથી બનતું બધું કરી છૂટ્યા. સઢની દિશાઓ બદલાવતા ગયા અને ઓખા બંદરની દીવાદાંડી દેખાઈ. અમો કિનારાની નજદીક પહોંચ્યા. અમારી ધૂન ચાલુ રહી અને આખરે અમારી જીત થઈ અને સાગરનું તાંડવ ‘નમસ્કાર મહામંત્ર'ના પ્રભાવ સામે ઝુકી ગયું. શાંત પડી ગયું. અમો લગભગ સંધ્યાકાળે સહીસલામત કિનારે પહોંચ્યા. પછી ત્યાંથી જામનગર, રાજકોટ થઈ પાલીતાણા જાત્રાએ ગયા અને સિદ્ધાચલ તીર્થાધિનાયક દાદા આદીશ્વરને ભેટ્યા.
બોલો નવકાર મહામંત્રકી જય!
૧૭૮