________________
જંગલોનો ખાતમો ગૌમાંસના ઉત્પાદન માટે બોલાવવામાં આવ્યો છે. અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં વપરાતાં સાધનો કરતાં માંસ-ઉત્પાદન માટે વીસગણું રો-મટીરિયલ્સ વપરાય છે. લેખકના મતે - “અમેરિકા જો બેફામ માંસાહાર પર પચાસ ટકા કાપ મૂકે તો દર વર્ષે દુનિયાના ત્રીસ કરોડ લોકોને પેટ પૂરતું ખાવાનું પહોંચાડી ભૂખમરાથી બચાવી શકાય. ઉપરાંત, પાણી અને વનસ્પતિની બચતથી પર્યાવરણને સંતુલિત રાખી શકાય. જંગલોમાં વૃક્ષો કાપવાથી તેની જળસંગ્રહ કરવાની ક્ષમતા ઘટી જાય. વનસ્પતિના વિનાશ દ્વારા રણો વિસ્તરશે.'
યુવાચાર્ય મહાપ્રજ્ઞ કહે છે કે – “વૃક્ષવિહીન ધરતી લોકોમાં ક્રૂરતા અને બર્બરતાનાં બીજ રોપશે. વન આપણા પ્રાણવાયુનો ભંડાર છે. એક વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછો ૧૬ કિલોગ્રામ ઑક્સિજન જોઈએ અને એટલો
ઑક્સિજન પેદા કરવા માટે ૫૦ વર્ષનું આયુષ્ય તથા ૫૦ ટન વજન ધરાવતાં પાંચ-છ વૃક્ષો હોવાં જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો - “પાંચ-છ વૃક્ષો કાપવાં એટલે પરોક્ષ રીતે એક વ્યક્તિને પ્રાણવાયુથી સદંતર વંચિત કરી દેવી. વાસ્તવમાં તેનો શ્વાસ રુંધી તેની હત્યા કરવા સમાન છે.”
વાયુના પ્રદૂષણ અને ધ્વનિનાં પ્રદૂષણો આપણે જોઈ શકીએ છીએ. પર્યાવરણવિદ્દોના મતે - “વાયુમંડળમાં ઓઝોન પડને નાઈટ્રોજન-ઑકસાઇડને કારણે હાનિ થવાનું જોખમ ઊભું થયું છે. છેલ્લાં સો વર્ષમાં વાયુમંડળમાં કાર્બન ડાયોકસાઈડના પ્રમાણમાં સોળ ટકાની વૃદ્ધિ થઈ છે, જે માનવઆરોગ્ય માટે હાનિકારક છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. સુપરસોનિક જેટ વિમાનો નાઇટ્રિક ઑક્સાઈડ ઉત્પન્ન કરે છે, જે વાયુનું પ્રદૂષણ વધારે છે.
જૈન ધર્મ અગ્નિકાયના જીવોનો સ્વીકાર કર્યો છે. કોલસા, પેટ્રોલ વગેરે ઊર્જા વપરાય ત્યારે અગ્નિકાયના જીવોને પીડા થાય છે, માટે શ્રાવકાચારમાં મહાહિંસા, આરંભ-સમારંભ થાય તેવા કર્માદાનના ધંધાનો નિષેધ છે અને નિરર્થક પરિભ્રમણનો પણ નિષેધ કર્યો છે.
કોલાહલના કારણે થતાં ધ્વનિ-પ્રદૂષણ સામે મૌનનો મહિમા પ્રગટ કર્યો છે. આમ, જૈન ધર્મનાં વ્રતો ને સિદ્ધાંતો પર્યાવરણના સંતુલનમાં સહાયક બને છે.
Dr.
(જ્ઞાનધારા - SENSEX ૧૨૦ GSES જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)