________________
વિજ્ઞાનનું વિશ્વનું આ ચિત્ર અહીં બતાવ્યું છે તેટલું સરળ નથી. તેને સમજવા માટે ગણિતના અટપટા જટિલ સૂત્રોનો ઉપયોગ કરવો પડે છે. પાયથાગોરસે વિશ્વની વિસ્મયતા અને આશ્ચર્યમાંથી ગણિતના નિયમો શોધવાનો પ્રયત્ન કર્યો. આજના વૈજ્ઞાનિકોએ ગણિતના નિયમોમાં વિશ્વને સમાવી દીધું છે. ૨૫૦૦ વર્ષે વર્તુળ પૂરું ગોળ ફરીને ઊભું છે ત્યારે જેમાં જૈનદર્શને દોરેલા વિશ્વના નકશાની રેખાઓ અંકિત થયેલી દેખાઈ રહી છે.
જૈન ગ્રંથોમાં પરમાણુવાદ, કિરણોત્સર્ગ (Radiation), પિંડ અને ઊર્જાના સંરક્ષણ વગેરે વૈજ્ઞાનિક વિષયોને સ્પર્શતા વિધાનો અનેક સ્થળે જોવા મળે છે. ભૂમિતિની જાણકારી પણ જોઈ શકાય છે. ઉપસંહાર :
આ લેખનો હેતુ એ છે કે આપણાં શાસ્ત્રોક્ત કથનો પરના પોલા અહોભાવને બદલે જૈનસમાજ તેમાં રહેલી અસાધારણ પ્રતિભાનું વૈશ્વિક સ્તરે યથાર્થ મૂલ્યાંકન થાય અને અર્વાચીન વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનના ઇતિહાસકારો તેને યોગ્ય કીર્તિસ્તંભ ઉપર સ્થાપિત કરે તે માટે કાર્યશીલ બને. જો ૨૫૦૦ વર્ષ પહેલાંના ગ્રીસના ફિલોસોફરોના યોગદાનને વિજ્ઞાનના બીજ તરીકે વધાવવામાં આવતા હોય અને આદરપાત્ર હોય, તો જૈનદર્શનમાં આપેલા વિશ્વના સ્વરૂપનાં દૂરગામી પરિણામો અને અસરની પણ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય નોંધ લેવાય અને કદર થાય તે જૈનોના ગૌરવ માટે આવશ્યક છે. આપણાં શાસ્ત્રોમાં અનેક વિધાનો આજના વિજ્ઞાન સાથે તાલમેળ નથી ધરાવતા તે વાતનો સ્વીકાર કરવો પડશે. ત્યારે જ આધુનિક વિજ્ઞાન અને જગત જૈનદર્શનમાં રહેલાં અસાધારણ વૈજ્ઞાનિક કથનો અને તેના વિશ્વવ્યાપી મહત્ત્વનો તો સ્વીકાર કરશે જ, સાથે સાથે જૈનદર્શનની સાર્વભૌમ મહત્તાનું પણ યોગ્ય મૂલ્યાંકન કરશે.
જૈનવિજ્ઞાનમાં વિશ્વશાંતિ અને સામંજસ્યની પ્રચંડ શક્તિ છે, તેને જાગૃત કરવા માટે જૈનસમાજે સ્વયં જાગૃત થવાનો સમય પરિપક્વ થઈ ગયો છે.
જ્ઞિાનધારા-૩
૨૦૧૪
ન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)