________________
પ્રેરણા પાછળ જો પરસેવાનું પાણી ન વરસે તો એ પ્રેરણા થોડા વખતમાં જ રણ જેવી બની જાય છે. જેને કંઈ કરી બતાવવું છે, પ્રકાશવું છે, ખીલવું છે, આગળ વધવું છે, તેણે વિજય કે પરાજયની પરવા કર્યા વિના પોતાની પ્રચંડ શક્તિને કામે લગાડી દેવાની છે. યાદ કર, ઇતિહાસનાં દરેકે દરેક પાનાં, શું ક્યાંય તેમાં નોંધાયેલું છે કે મહાપુરુષોના માર્ગ ઉપર ગુલાબના મુલાયમ બગીચાઓ બિછાવ્યા હતા ? ભગવાન બુદ્ધ, જિસસ ક્રાઇસ્ટ, મહમ્મદ પયગંબર, પ્રભુ મહાવીર, શું શરૂઆતમાં બધાને અનુકૂળ સંજોગો હતા ? ન હતા... બસ, તો તું પણ જગાડી દે ધર્મની આલબેલ, ધખાવ ધર્મની ધૂણી, કારણ... જે પીડા વેઠી શકે છે, એ જ પુરસ્કારને પામે છે, જે વાંસ, પોતાનામાં કાણાં પાડવા દે છે, તે જ વાંસળી બની શકે છે. જે બીજાને સાંભળી શકે છે, તે જ પોતાની જાતને સંભાળી શકે છે. સૂર્યથી તેજ છૂટું પડી શકતું નથી, સાગરથી મોજાં વિખૂટાં પડતાં નથી અને વસ્તુમાંથી છાયા દૂર થઈ શકતી નથી... તો યુવાનો ! શું ધર્મ આપણાથી દૂર થઈ શકે ખરો ? જવાબ દો... જવાબ દો... અરે, ભગવાને બનાવેલી આ દુનિયામાં ભગવાન બનવાની ભૂમિકા સર્જ્યો વિના અહીંયાંથી જવાય જ કેમ ? તારે માટે જગ્યા નથી એવું તું માનતો જ નહિ, જે જાગે છે એને માટે જગ્યા થઈ જ જાય છે.
જ્ઞાનધારા - ૩
: So
૧૩૨
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩