________________
૬૨ ]
[ અણગારનાં અજવાળા પ્રભાવ ભાવી પેઢી પર પડતાં તેઓનું જીવન કેવું સંસ્કારી અને સદાચારી બને છે. આ વિષય અભૂત શૈલીમાં રજૂ કરી સુદર્શન શેઠ અભયા રાણીનાં દૃષ્ટાંતે શ્રોતાજનોના ગળે ઉતારી દેતા ને સંખ્યાબંધ દંપતી બ્રહ્મચર્ય વ્રત આદરવા તૈયાર થઈ જતાં. ગુરુદેવે તેમનાં મુનિ જીવનનાં ૩૭ ચોમાસા કર્યા. તેમાં એક પણ ચોમાસું એવું નહીં કે જેમાં બ્રહ્મચર્ય વ્રત ન આદરાયા હોય. ચોમાસામાં તો ખરાં જ પણ શેષકાળમાં પણ, શું ગામડામાં કે શું શહેરોમાં, જ્યાં થોડા દિવસ માટે પધાર્યા હોય ત્યાં શીલવ્રત લેનારા તો હોય હોય ને હોય જ. આમ ગુરુદેવે અનેક દંપતીઓને શીલવ્રતધારી બનાવ્યાં.
તો કેટલાય વ્યસની જીવોનાં વ્યસનો છોડાવ્યાં. એ વ્યસન બીડી હોય, ચાનું હોય, જુગારનું હોય, કે દારૂનું હોય, પણ ગુરુદેવના સાનિધ્યમાં આવ્યો અને જો એક વાર પણ એ વાણીનું પાન કર્યું તો એ અમૃતવાણી અંતરના વિષને ધોયા વગર રહે નહીં. જેમ વ્યસનીને વ્યસનની તલપ લાગે તેમ એ જ વ્યસનીને વ્યસન ત્યાગની તલપ લાગતી. અવળી તલપને સવળી તલપમાં બદલવાનું પ્રેરક બળ હતું.
પૂ. ગુરુદેવ આચારધર્મ પરત્વે અત્યંત જાગૃત રહેતા. પોતાના સાધુસાધ્વીજીને હંમેશા શુદ્ધાચારની પ્રેરણા કરતા રહેતા. એ જ રીતે ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાને પણ તેમને યોગ્ય આચારનો પ્રેમાળ ઉપદેશ આપી, શ્રાવકાચાર શીખવતા. પંદર કર્માદાન સમજાવી શ્રાવકોને ન્યાયસંપન વૈભવ-આજીવિકાની પ્રેરણા કરતા. આમ ગુરુદેવ સાચા અર્થમાં પ્રભાવક ધર્મપુરુષ હતા.
જન્મશતાબ્દીના પાવન પ્રસંગે કાઠિયાવાડના પ્રત્યેક શ્રાવક-શ્રાવિકાના હૃદયસમ્રાટ સમા સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજને ભાવપૂર્વક સ્મરણાંજલિ.