________________
૧૮ ]
[ અણગારનાં અજવાળા ધર્મને રંગે રંગાયો. માતાપિતાની આજ્ઞા મળતાં સંવત ૧૬૭૨ના મહા સુદ તેરસે લોકાગચ્છ સંપ્રદાયમાં જામનગર શહેરે દીક્ષા થઈ અને ધરમચંદ ધર્મસિંહમુનિ બન્યા. કાળક્રમે પૂ. રત્નસિંહસ્વામી, પૂ. દેવજીસ્વામી અને ત્યારબાદ જિનદાસમુનિ કાળધર્મ પામતાં શ્રી શિવજીમુનિને માથે લોકાગચ્છના યોગક્ષેમની જવાબદારીનો મુગટ પહેરાવવામાં આવ્યો. શ્રી શિવજીસ્વામી ધર્મસિંહમુનિનો વિવેક વિનયભક્ત જોઈ તેમના પર પ્રસન્ન ભાવ રાખતા. લોંકાશાહના ક્રાંતિકારક વિચારો અને વિધાનો પ્રમાણે આચરણ કરવામાં લોકાગચ્છના શ્રમણો પણ કાળસંજોગ મુજબ માનપાન-પૂજા, સત્કાર, મંત્રતંત્ર, દોરા-ધાગા આદિના પ્રયોગો કરવામાં ઉત્સાહના લીધે મૂળ આગમાનુસારે વર્તન, વાણી, વ્યવહારમાં શિથિલ થવા લાગ્યા હતા. શ્રી ધર્મસિંહમુનિનો આત્મા, શ્રમણસંસ્કૃતિમાં પેસેલી આવી વિકૃતિઓ જોઈ વિક્ષુબ્ધ થતો. તેમણે ગચ્છાધિપતિ શિવજીૠષિ પાસે સવિનય વંદન કરી કહ્યું :—“કૃપાળુ ગુરુદેવ, શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનો પુરુષાર્થ આદરવાનો સમય હવે પાકી ગયો છે. યતિવર્ગમાં શિથિલતા ઊંડી પ્રવેશી છે. સાધુચર્યાનો વિપર્યાસ થયો છે. જ્યાં મુનિત્વ ડચકા લેતું હોય ત્યાં શ્રાવકત્વની શી વલે થાય?” ધર્મસિંહજીએ વ્યથાને વાચા આપી. “હે વ્હાલા શિષ્ય, લોકાગચ્છને આચાર્ય વિહોણો કરી હું કોઈ સુધારાનો પ્રયોગ કરવા જાઉં તો શિથિલાચારને વધુ ઉત્તેજન મળે. નાની નાની ટોળાશાહી સંઘાડામાં ફસાઈને બરબાદ થઈ જાય, માટે ધીરજ ધરો. અવસરે ગચ્છના સ્વરૂપમાં રહી શુદ્ધ માર્ગે વિહરીશું.
પૂ. ધર્મસિંહજી મુનિએ દોઢ દાયકાના સંયમજીવનમાં સ્વાધ્યાય દ્વારા ઉત્કૃષ્ટ જ્ઞાનની ઉપાસના કરી. સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, વ્યાકરણ, ન્યાયદર્શન, આગમના સૂત્ર સિદ્ધાંતોનો અભ્યાસ કરતાં તેમનું ચિંતન સપાટી પર આવ્યું અને ધર્માચારમાં પ્રવેશેલ શિથિલતાથી વધુ અકળાવા લાગ્યા.
તેમણે સત્તાવીશ આગમોના મૂળભાવ તે સમયની લોકબોલીમાં લખી. આ ટીકા ટબા મસ્તક-સ્તવક નામે પ્રસિદ્ધ છે. જિનાગમોની ભાવનાને જ દીવાદાંડીરૂપ લક્ષ રાખી બાલાવબોધ રૂપે પ્રરૂપ્યા. ઉપરાંત, સમવાયાંગની હુંડી, પ્રજ્ઞાપનાનો યંત્ર, સ્થાનાંગનો યંત્ર, રાજપ્રશ્નીયનો યંત્ર તથા