________________
૨૧૬ ]
[ અણગારનાં અજવાળા હજારો માઈલની મુસાફરી પણ
એક ડગલાથી શરૂ થાય છે. પ્રભુ પાસે બીજું શું મંગાય! બસ પ્રભુ મારો મુકામ અને મંઝિલ નક્કી છે. માત્ર તે તરફની લઈ જતી કેડી ઉપર તું મને પ્રભુ! એક ડગલું ભરવાનું બળ આપજે. એમ જ બન્યું ભવોની વિટંબણાઓથી થાકેલી એ દીકરીએ પોતાની મંગલયાત્રાનો માર્ગ નક્કી કરી લીધો હોય તેમ એક પ્રકાશથી ઝળહળતાં થતા મુકામ તરફના માર્ગ ઉપર કેડી કંડારીને આવી હોય તેમ પવિત્ર ભારતભૂમિના દિગ્વિભાગમાં આવેલ જ્યાં અનેક તેજસ્વી સંતોનો જન્મ થયો છે એવા સૌરાષ્ટ્રના નાનકડા એવા નાગનેશ ગામમાં એક સંસ્કારી એવા દોશી કુટુંબમાં મગનભાઈ પિતા અને માતા રંભાબહેનને ત્યાં સં. ૧૯૮૪ના વૈશાખ સુદ આઠમને દિવસે અંબરમાં ઊગતા ધ્રુવતારાની જેમ મોક્ષ જ જેનું લક્ષ્ય હોય તેમ તે દીકરીનું અવની ઉપર અવતરણ થયું. કદાચ એટલે જ તેનું નામ તારા રાખવામાં આવ્યું હશે.
જ્યાં મહાવીર સ્વામીના પગલાંની થઈ મહેર,
એવા વઢવાણ શહેરમાં તારક મૈયાનો થયો ઉછેર. દીકરી તારા ચંદ્રકલાની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી હતી. હજુ કોરી પાટી જેવું જેનું મન છે એવી આ દીકરી તારિકા પાટી અને પેન લઈને શાળા અને જૈનશાળાનો અભ્યાસ કરવા સરખેસરખી સહેલીઓ સાથે જતી. સુંદર પોત લઈને જન્મેલી આ દીકરીના જીવનમાં સુંદર ભાત જ પડે એમાં નવાઈ શી? જૈનશાળાએ તેના જીવનમાં ધર્મનાં સુંદર રંગ પૂરવામાં કોઈ કચાશ ન રાખી. તારાની મનોભૂમિમાં ચિંતનનાં ચમકારા પ્રકટવા લાગ્યા. શુભભાવો ઘૂંટાવા લાગ્યા.
અધ્યાત્મમાર્ગ તો આ બાલિકાના પૂર્વભવથી નિશ્ચિત હતો તેમ તે માર્ગે જવા માટે તેના આત્મામાં પ્રાણ અને તેના નાનકડા પગોમાં બળ પૂરવા માટે જીવનની વાટમાં લીંબડી સંપ્રદાયના ગૌરવવંતા અધ્યાત્મયોગી પૂ. શ્રી કેશવગુરુજી અને લીંબડી સંપ્રદાયનાં લીલમરત્ન સમા લીલમ ગુરુનો સથવારો સાંપડ્યો. ત્યારે દિવ્ય ગતિ તરફ દોટ મૂકવા માટે તારા અધીર બની.