________________
અણગારનાં અજવાળા ]
[[ ૧૪૯ સંપ્રદાયની. અનેક વિદ્વાન ગુરુજીઓ અને ગુરુણીઓથી તે સંપ્રદાય શોભી રહ્યો છે. તેમાં એક એવું સુવાસિત પુષ્પ છે, જેની મહેક આ જન્મપૂરતી નહીં પણ જનમોજનમની હશે તો જ આ બાળપુષ્ય બાલ્યવયથી જાણે પોતાના જીવનની કેડી કંડારીને આવ્યું હોય તેમ તે કોઈ મુકામ તરફ, મુક્તિ તરફ નિશ્ચિત પગલાં માંડે છે. નથી કોઈ નિમિત્ત તેના આત્માને જગાડવા માટે, જાણે તેનું ઉપાદાન તૈયાર જ હોય તેમ તે દીક્ષાપંથે ચાલી નીકળે છે.
તે છે પ્રમીલાબહેન, જેમનો જન્મ કચ્છ દેશની પવિત્ર ભૂમિમાં રાપર તાલુકાના નાનકડા ત્રંબૌ ગામમાં પિતા હેમરાજભાઈ બોરીચાને ખોરડે અને માતા ઝવેરબાઈને ખોળે થયો. સ્વાભાવિક છે કે માતાપિતાના સંસ્કાર તેને વારસામાં મળે જ. પ્રમીલાબહેન શાળાનો અભ્યાસ કરતાં કરતાં એસ. એસ. સી. સુધીનો અભ્યાસ પ્રથમ નંબરે પાસ કરતાં રહ્યાં અને સાથે સાથે દીક્ષા લેવાના ભાવ જાગતાં માતાપિતાની અનુજ્ઞા પણ મળી ગઈ. લીંબડી અજરામર સંપ્રદાયનાં પૂ. શ્રી પ્રભાવતીબાઈ પાસે સંયમની તાલીમ અને જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ ૨૧ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૯-૨-૯૪માં તેમણે પ્રવજ્યા અંગીકાર કરી અને એમનું નામ પૂ. શ્રી પ્રશસ્તિબાઈ મ.સ. તરીકે જાહેર થયું. તેમની ભણવાની લગનીની સાથે જ તેમની સરલતા, વિનમ્રતા, નિખાલસતા તેમજ દરેકના દિલને જીતવાની એમની પાસે અજોડ કલા છે.
એક દીપ અસંખ્ય દીપને પ્રગટાવે તેમ તેમનાં નાનાબહેન દમુબહેને પણ દીક્ષા ગ્રહણ કરી જે અત્યારે પૂ. શ્રી દીપ્તિબાઈ મ.સ. તરીકે ઓળખાય છે. એ સંયમી આત્માઓ વિચરણ કરતાં કરતાં ઘણા આત્માઓને ધર્મથી, જ્ઞાનની પ્રભાવના કરતાં કરતાં જાગૃત કરતાં જાય છે.
બીજા આશ્ચર્ય અને આનંદની વાત એ છે કે આજ સંપ્રદાયમાં ભચાઉ ગામના વતની એવા એક જ પરિવારના ચાર સભ્યોએ પ-૬ વર્ષ પહેલાં મુંબઈ નગરીમાં અંધેરીમાં દીક્ષા લીધી. પૂ. શ્રી પંથકમુનિ-પતિ, પૂ. શ્રી સિદ્ધિશીલાજી મ.સ. તેમનાં પત્ની, પૂ. શ્રી મુક્તિશીલાજી તેમનાં પુત્રી અને પૂ. શ્રી નૈતિકચંદ્રજી તેમના પુત્ર એમ ચારેય જણાએ એક સાથે દીક્ષા ગ્રહણ કરી.
પૂ. શ્રી પંથકમુનિશ્રી ચોથા આરાના મુનિની યાદ અપાવે તેવા છે.