________________
શાકાહાર
નિરામિષ આહાર
આત્માનો મૂળ સ્વભાવ અણઆહારક છે. જૈન દર્શનનું હાર્દ અણાહારી પદ પ્રાપ્ત કરી આત્માનું શુદ્ધ સ્વરૂપ મોક્ષપદ પામવાનું છે. અનાદિથી કર્મના સંબંધને કારણે આત્મા સંસાર ભ્રમણ કરે છે. કર્મના યોગે આહાર ગ્રહણ કરી શરીરનું નિર્માણ કરે છે. અને તેને ટકાવવા આહાર લેવો પડે છે. - જ્ઞાનીઓએ કહ્યું છે કે જેવું અન્ન તેવું મન અને જેવું મન તેવું જીવન. આપણા પરમ ઉપકારી ગુરુ ભગવંતો એ પોતાની વિશિષ્ટ જ્ઞાન શક્તિ અને વૈજ્ઞાનિક પ્રતિભાથી સાત્વિક અને ઉચ્ચ સંસ્કારમય જીવન જીવવા શું ખાવું? અને શું ન ખાવું ? એ અંગેના વિધિ-નિષેધો જણાવ્યા છે. આ આર્યભૂમિના માનવીઓને આર્યભૂમિનું જ અન્ન અનુકૂળ આવે. અનાર્ય ભૂમિના તામસ ભોજન આપણને અનુકૂળ આવે નહિ.
અસદ્ આહારના પરિણામે દેહસ્થ સપ્તધાતુઓ અને અંતસ્રાવી ગ્રંથિઓમાં રાસાયણિક પરિવર્તન થાય છે. તેનાથી શારીરિક અને માનસિક વિપરીત અસરો થાય છે. મનનું ચાંચલ્ય, ચિત્ત વિકાર, કષાય આદિ ભાવો જેવાકે ક્રોધ, ઈષ પ્રકોપ, તીવ્ર લાલસા. નિદ્રા-પ્રેમ ઇત્યાદિ વિકૃતિથી મનુષ્ય બહારથી અને અંતરમનથી ખળભળી ઉઠે છે.
શાકાહાર'નો વિચાર અને આચાર માત્ર પેટ ભરવા માટે નહિ પરંતુ લોહીની નદીઓ બંધ કરવા માટે છે. ક્રૂરતાને બદલે વાત્સલ્ય, પ્રેમ અને કરૂણાના સંસ્કાર માટે છે. વ્યક્તિગત અને કુટુંબ જીવનની સુખ શાંતિ માટે છે. વર્તમાન જીવન સમાધિમય બનાવવાનો અને પારલૌકિક હિતને માટે છે.
જગતના દરેક ધર્મ દર્શનોએ અહિંસાની તરફેણ કરી છે. વિશ્વના ઉચ્ચ કોટીના સંતો, સૂફીઓ અને દાર્શનિકોએ માંસાહારનો નિષેધ કરેલો છે. પરંતુ શાસ્ત્રોના અર્થઘટન અને આચરણમાં વિપરીતતાઓને કારણે માંસાહાર વધ્યો છે.
જયણા, દયા, હૃદયની કોમળતાં, અનુકંપા, અભક્ષ્યનો ત્યાગ, ભક્ષ્યમાં પણ પુરેપુરી કાળજી સહ શ્રાવકાચારનું પાલન પાપ કર્મની નિર્જરા કરી પુણ્યનો અનુબંધ કરે છે. આપણા પૂર્વજો સાંસારિક વ્યવહારોમાં અભક્ષ્ય પદાર્થો ખાવા ખવરાવવાથી દૂર રહેતા. આજે લગ્નાદિ પ્રસંગોમાં રાત્રિના બાર-બે વાગ્યા પછી રસોઈ શરૂ થાય છે. બહારના લોટ, વાસી માવાની મીઠાઈઓ, અળગણ પાણી, બરફ, ભાજી, કંદમૂળ, ચીઝ, પીઝા, ક્રીમ, બ્રેડબટર વિગેરે અભક્ષ્ય ખાવા ખવરાવવામાં, ઉપરાંત સમુહ રાત્રિભોજન કરવા-કરાવવામાં આત્માના પરિણામ સારા રહેતા નથી.