________________
शाजागर
પ્રકાશકનું નિવેદન
શાકાહારના વિચારને વેગ આપવા તથા તેની અભિરૂચી ને જાગૃત કરવા જૈન સમાજે ૧૯૯૧ના વર્ષને ‘‘શાકાહાર વર્ષ’' તરીકે ઉજવેલ હતું. આ વર્ષ દરમ્યાન સમગ્ર ભારતમાં પુસ્તકોનું પ્રકાશન, રથયાત્રા વગેરે કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ અને જૈન તથા જૈનેતર ભાઈ-વ્હેનોના સહકારથી શાકાહાર વિચારધારાને અત્યંત પ્રસિદ્ધી મળેલ હતી.
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી રથયાત્રાએ જ્યારે મુંબઈમાં પ્રવેશ કર્યો ત્યારે તેને અદ્ભુત આવકાર મળેલ. તેમાં ઘાટકોપર ખાતે યોજાયેલ વિવિધ કાર્યક્રમોથી પર્વ જેવું પવિત્ર અને ધાર્મિક વાતાવરણ ઉપસ્થિત થયું હતું તથા આયોજનની જૈન તેમજ જૈનેતર જનતાએ અત્યંત પ્રશંસા કરી હતી.
તે પ્રસંગે ડૉ. હુકમચંદજી ભારિલ્લ લિખીત ‘શાકાહાર' પુસ્તિકાની હિન્દી આવૃત્તિનું વેચાણ રાખેલ હતું. જેને બેહદ પ્રતિસાદ મળેલ. આ પુસ્તિકાની એક લાખથી વધુ પ્રત (નકલો) પ્રસિદ્ધ થયેલ છે અને તેના ગુજરાતી અનુવાદ માટે તે સમયે માંગ ચારે તરફથી આવવા લાગી હતી. લોકોની માંગને લક્ષમાં લઈ યોગ્ય સમયે ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કરવાની જાહેરાત મલાડ ખાતે શાકાહાર પ્રચાર માટે મળેલી સભામાં રથયાત્રાનાં આયોજકોની હાજરીમાં મેં કરેલ હતી. શાકાહાર વર્ષની પૂર્ણાહૂતિ ૧૯૯૨માં થાય છે તે પહેલાં શાકાહારની ગુજરાતી પ્રત પર્યુષણ પર્વની પૂર્વ સંધ્યાએ અહિંસા પ્રેમી ભાઈ બહેનો સમક્ષ મુકતાં મને અત્યંત આનંદ થાય છે.
આ પુસ્તક યુવાન વર્ગ માટે દિશા સુચક તથા અહિંસાના સિદ્ધાન્ત પર ડગ માંડતા દરેકને નૈતિક ટેકા રૂપ સાબિત થશે કારણકે તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે શાકાહારી જીવન અત્યંત આવશ્યક છે. શુદ્ધ, સાત્વિક અને સદાચારી જીવન વિના આત્મિક શાંતિ પ્રાપ્ત થતી નથી અને તેના માટે શાકાહારી જીવન પદ્ધતિ જ અપનાવવી જોઈએ.
આશા છે કે સરળભાષામાં પ્રસિદ્ધ થયેલ આ પુસ્તક સમાજને તથા શાકાહારી વિચારધારાને બળવાન બનાવવા ઉપયોગી બનશે. આ પુસ્તકને પ્રસિદ્ધ કરવાના ઉમદા સેવા કાર્યમાં મને નિમિત્ત બનવાની તક મળી તે માટે હું આનંદની લાગણી અનુભવું છું. આ પુસ્તકના ગુજરાતી અનુવાદ માટે ડૉ. શ્રીમતિ મધુબેન બરવાળિયાના ઉત્સાહ અને ખંત બદલ તેઓને ધન્યવાદ આપી આભાર વ્યક્ત કરૂ છું. શાકાહાર સમિતિના સભ્યો, દાતાઓ તથા ડૉ. ભારિલ્લજીએ જે સાથ, સહકાર અને માર્ગદર્શન આપેલ છે તે માટે તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.
આ નાનું પણ અતિ ઉપયોગી ‘શાકાહાર’ પુસ્તક અહિંસાનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવામાં મુખ્ય ભાગ ભજવશે એવી ભાવના સાથે વીરમું છું.
ઘાટકોપર
તા. ૨૩-૮-૧૯૯૨
૨
ચમનલાલ ડી. વોરા
પ્રકાશક