________________
ગોત્ર-વેદનીય-આયુષ્યનો સંવેધ : गोअंमि सत्त भंगा, अट्ठय भंगा हवंति वेअणिए । पण नव नव पण भंगा, आउ चउक्के वि कमसो उ ॥ ११ ॥
ગાથાર્થ- ગોત્રકર્મના સાત ભાંગા થાય છે. વેદનીયકર્મના આઠ ભાંગા થાય છે અને ચારે આયુષ્યના ક્રમશઃ પાંચ-નવ-નવ અને પાંચ ભાંગા થાય છે.
વિવેચનઃ- અશાતાનો બંધ ૧ થી ૬ ગુણઠાણા સુધી હોય છે અને શાતાનો બંધ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે. શાતા-અશાતા બંધમાં પરાવર્તમાન છે. એટલે કોઈ પણ જીવ ૧ થી ૬ ગુણઠાણા સુધી શાતાને બાંધતો હોય ત્યારે અશાતાને બાંધતો નથી અને અશાતાને બાંધતો હોય ત્યારે શાતાને બાંધતો નથી અને ૭ થી ૧૩ ગુણઠાણા સુધી શાતા જ બંધાય છે. એટલે વેદનીયકર્મમાં ૧ પ્રકૃતિનું એક જ બંધસ્થાનક હોય છે. વેદનીયકર્મનું ઉદયસ્થાન :
શાતા-અશાતાનો ઉદય ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. પરંતુ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી શાતા-અશાતાનો ઉદય પરાવર્તમાન હોય છે. એટલે કોઈપણ જીવને શાતાનો ઉદય હોય ત્યારે અશાતાનો ઉદય હોતો નથી અને અશાતાનો ઉદય હોય ત્યારે શાતાનો ઉદય હોતો નથી. એટલે એકજીવને એક સમયે શાતા-અશાતામાંથી કોઈપણ એકનો જ ઉદય હોય છે.
૧૪માં ગુણઠાણે અયોગીકેવલીભગવંતને શાતા-અશાતાનો ઉદય પરાવર્તમાન નથી. એટલે જે અયોગીકેવલીભગવંતને શાતાનો ઉદય હોય, તેને છેલ્લા સમય સુધી શાતાનો જ ઉદય હોય છે. અને જે અયોગીકેવલી ભગવંતને અશાતાનો ઉદય હોય, તેને છેલ્લા સમય સુધી અશાતાનો જ ઉદય હોય છે. એટલે વેદનીયકર્મમાં ૧ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન હોય છે.
૪૬