________________
સાસ્વાદને-૯૪ પ્રકૃતિનો બંધ :
ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે મનુષ્યાયુ કે તિર્યંચાયુ બંધાતું નથી. કારણકે જીવ પૂર્વભવમાંથી સાસ્વાદનગુણઠાણુ લઈને આવેલો હોવાથી, જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણુ હોય છે. લબ્ધિ-પર્યાપ્તા જીવો સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ પરભવનું આયુષ્ય બાંધે છે.૨૦ એટલે જ્યાં સુધી સાસ્વાદનગુણઠાણુ હોય ત્યાં સુધી આયુષ્ય બંધાતું નથી અને જ્યારે આયુષ્ય બંધાય છે ત્યારે સાસ્વાદનગુણઠાણુ હોતું નથી. તેથી ઔમિશ્રકાયયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે મનુષ્યાયુ કે તિર્યંચાયુનો બંધ હોતો નથી.
સૂક્ષ્મનામકર્માદિ-૧૩ કર્મપ્રકૃતિના બંધનું કારણ મિથ્યાત્વનો ઉદય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વનો ઉદય હોતો નથી. તેથી ત્યાં સૂક્ષ્મનામકર્માદિ-૧૩ પ્રકૃતિ બંધાતી નથી. એટલે ૧૦૯માંથી સૂક્ષ્મનામકર્માદિ-૧૩ અને મનુષ્યાયુ-તિર્યંચાયુ એમ કુલ ૧૫ કર્મપ્રકૃતિ કાઢી નાંખવાથી ઔદારિકમિશ્રકાયયોગ માર્ગણામાં સાસ્વાદનગુણઠાણે ૯૪ કર્મપ્રકૃતિ બંધાય છે.
મિશ્રગુણઠાણે કોઇપણ જીવ મરણ પામતો નથી. તેથી મિશ્રગુણઠાણુ લઈને પરભવમાં જવાનું હોતુ નથી અને કોઇ પણ જીવ અપર્યાપ્તાવસ્થામાં મિશ્રસમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં મિશ્રગુણઠાણુ હોતું નથી.
ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસાદિ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી શરીરની રચના અપૂર્ણ હોય છે. તેથી શરીર પોતાનું સંપૂર્ણ કામ કરવાને માટે સમર્થ નથી. એટલે કાર્યણશરીરની પ્રવૃત્તિ પણ ચાલુ રહે છે. તેથી જ્યાં સુધી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔમિશ્રકાયયોગ માનવો જોઈએ. (૨૦)લબ્ધિ-અપર્યાપ્તાજીવો પણ પહેલી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ પરભવનું આયુષ્ય બાંધે છે.
૫૯