________________
ઉદીરણાસ્વામિત્વ છે
उदयव्वुदीरणाए, सव्वह ओघव्व उण विसेसो वि । मुणिवीरसेहरथुअं, णमह णुदयुदीरणं वीरं ॥ ८३॥
ગાથાર્થ - સર્વ માર્ગણામાં ઉદયની જેમ ઉદીરણાસ્વામિત્વ જાણવું. પરંતુ ઓઘની જેમ વિશેષતાઓ પણ કહેવી.
ગ્રંથની સમાપ્તિમાં મુનિશ્રી વીરશેખરવિજયજી મહારાજા સકલકર્મોની ઉદય-ઉદીરણાથી રહિત એવા શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરવા પૂર્વક સ્તવના કરી રહ્યાં છે.
વિવેચન - સામાન્યથી જે માર્ગણામાં જે ગુણઠાણે જેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય છે. તે માર્ગણામાં તે ગુણઠાણે તેટલી કર્મપ્રકૃતિની ઉદીરણા થાય છે. પરંતુ વિશેષ એ છે કે, કર્મસ્તવમાં કહ્યાં મુજબ શાતા-અશાતા અને મનુષ્યાયુનો ઉદય ચૌદમા ગુણઠાણાના ચરમસમય સુધી હોય છે અને ઉદીરણા ૧થી ૬ ગુણઠાણા સુધી જ હોય છે. તેમજ અયોગગુણઠાણે યોગના અભાવે મનુષ્યગતિ વગેરે-૧૨ પ્રકૃતિની ઉદીરણા થતી નથી. તેથી જે માર્ગણામાં ૧ થી ૬ ગુણસ્થાનકોમાંથી જે ગુણઠાણે જેટલી પ્રકૃતિનો ઉદય હોય છે. તે માર્ગણામાં તે ગુણઠાણે તેટલી પ્રકૃતિની ઉદીરણા થાય છે. પરંતુ જે માર્ગણામાં અપ્રમત્તાદિગુણસ્થાનકો સંભવે છે. તે માર્ગણામાં અપ્રમત્તાદિ ગુણસ્થાનકોમાંથી જે ગુણઠાણે જેટલી પ્રકૃતિનો ઉદય હોય છે તે માર્ગણામાં તે ગુણઠાણે તેટલી પ્રકૃતિમાંથી શાતા-અશાતા અને મનુષ્યાયુ એ-૩ પ્રકૃતિ ઓછી કરીને, બાકીની સર્વે પ્રકૃતિની ઉદીરણા થાય છે.
૧૯૪