________________
પ૯
અધ્યાત્મ બાવની-સાર્થ
આતમ વસ્તુ સ્વભાવ છે, તે જાણે રિષિરાય; અધ્યાતમવેદી કહે, ઈમ જાણ્યો ચિત્તમાંય. ૩૫ આતમ ધ્યાને રમણતા, રમતાં આત્મસ્વભાવ; અષ્ટ કર્મ દૂર કરે, પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૩૬ લાખ ક્રોડ વરસાં લગે, કીરિયાએ કરી કર્મ જ્ઞાની સાસોસાસમાં, ઈમ જાણે તે મર્મ. ૩૭ અંતરમેલ સબ ઉપશમે, પ્રગટે શુદ્ધ સ્વભાવ; અવ્યાબાધ સુખ ભોગવે, કરી કર્મ અભાવ. ૩૮ અક્ષય ઋદ્ધિ લેવા ભણી, અષ્ટ કર્મ કર દૂર; અષ્ટકર્મના નાશથી, સુખ પામે ભરપૂર. ૩૯
વસ્તુનો સ્વભાવ તે આત્મા એમ ઋષિરાજ-મુનિરાજ જાણે છે, અધ્યાત્મને જાણનારા એ રીતે કહે છે, એમ મનમાં જાણ્યું છે. ૩૫
આત્મધ્યાનમાં રમણતા કરવાથી, આત્મસ્વભાવમાં રમવાથી આઠ કર્મને આત્મા દૂર કરે છે, અને શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ થાય છે. ૩૬
“ક્રિયાથી લાખો કે ક્રોડો વર્ષે જેટલાં કર્મ, ખપે તેટલાં કર્મ જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં ખપાવે એ પ્રમાણે મર્મને તે મુનિ જાણે છે. ૩૭
અંદરના રાગ-દ્વેષ આદિ મળો શાંત થવાથી આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે, અને કર્મનો અભાવ થવાથી આત્મા અવ્યાબાધ (પીડા વિનાના) સુખને ભોગવે છે. ૩૮
આત્માની અક્ષય ઋદ્ધિ મેળવવા માટે આઠ કર્મને દૂર કરો, આઠ કર્મનો નાશ થવાથી આત્મા ભરપૂર-સંપૂર્ણ સુખ પામે છે. ૩૯