________________
ગંભીરતાપૂર્વક કહું છું કે, કુમારપાળ પોતે એનું લેખન કરે અથવા કોઈ અન્ય અધિકારીને એનું સંપાદન સોંપી દે, પણ આ કામ ક૨વા જેવું છે એમ લાગે છે મને.
જે કામ હાથમાં લીધું હોય એનું દૃષ્ટિપૂર્ણ આયોજન, એ કાર્યની પૂર્વતૈયારી (Home Work), અભ્યાસનિષ્ઠા, નિદિધ્યાસન અને નિયમિતતા કુમારપાળની દરેક ક્ષેત્રે પ્રાપ્ત કરેલી સફળતાનું રહસ્ય છે. મારા પંચોતેરમા પુસ્તક “સૂર્યચંદ્રના પડછાયા'(ભાગ ૧-૨)નું વિમોચન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૬-૧-૨૦૦૪ના રોજ અમદાવાદ મુકામે કર્યું ત્યારે કાર્યક્રમને આનંદદાયક બનાવનાર શ્રી વિનોદ ભટ્ટની સાથે કુમારપાળ પણ મુખ્ય વક્તા હતા. વર્ષોની મૈત્રી હોવાથી વગર તૈયા૨ીએ કેટલાક વક્તાઓની જેમ આગળના વક્તાઓનું વક્તવ્ય સાંભળી, ગોળ ગોળ બોલવાના બદલે કુમારપાળે અનેક પ્રશ્નો કૃતિ વિશે પૂછી, મુદ્દાઓની નોંધ કરી, કૃતિ અને કર્તાને પૂરો ન્યાય આપ્યો હતો. કુમારપાળ ઘણી વાર કહે છે : ‘Home Work કર્યા વગર કદી જવું નહીં.’
કુમારપાળના વ્યક્તિત્વનાં અનેક પહેલદાર પાસાંઓમાં સૌથી ઉત્તમ પાસું ‘માણસ’ તરીકેનું છે. કુમારપાળના વ્યક્તિત્વમાંથી માનવતા, સંસ્કાર, સૌજન્યપૂર્ણ વ્યવહારની વાછંટ ફરફરતી સદા અનુભવી છે. અલંકારની પરિભાષામાં કહું તો, ‘Kumarpal is Kumarpal.'
કુમારપાળ દેસાઈમાંથી ડૉ. કુમારપાળ દેસાઈથી શરૂ કરી ‘પદ્મશ્રી’ સુધીની મજલ તૈયા૨ કરનાર કુમારપાળ સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રો, વિદ્યાર્થીઓ, ચાહકો અને જ્ઞાતિજનોનું અતિવિસ્તીર્ણ વર્તુળ ધરાવે છે. આ સર્વે પાસે કુમારપાળ સાથે સંબંધોનાં વિવિધ સ્મરણો હોય એ સ્વાભાવિક છે. કુમારપાળને હું ઘણી વાર ‘પ્રિન્સ !' તરીકે સંબોધું છું અને એ મને ક્યારેક ક્યારેક ‘રાજ્જા !’ કહે છે. આત્મીયતાની એ ફલશ્રુતિ છે.
મારી પાસે પણ છવ્વીસ વર્ષની મૈત્રી પછી વ્યક્તિ, શિક્ષણકાર, સાહિત્યકાર, વિક્રમ વિશ્વપ્રવાસી કુમારપાળના સૌજન્યના અંતરને તરબતર કરતાં અનેક સ્મરણો છે. પણ એ બધાંને ક્યાં ઉકેલવા બેસું ?
અંતે સુપ્રસિદ્ધ ગઝલકાર મનોજ ખંડેરિયાની ગઝલના એક શેર સાથે વિરમું છું : “ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.’’
81 પ્રિયકાન્ત પરીખ