________________
કુમારપાળના દરેક પુસ્તકના શીર્ષકમાં કાવ્ય હોય છે અથવા તો બીજા અર્થમાં કહીએ તો નવીનતા હોય છે. એમણે એમના લાલબહાદુરની જીવનગાથા વર્ણવતા પુસ્તકનું નામ રાખ્યું “લાલ ગુલાબ' અને એ પુસ્તક એમણે અર્પણ કર્યું:
“માતાને ! જન્મદાત્રીને !!
જન્મભોમને.” પ્રથમ જીવનચરિત્રથી જ કુમારપાળને બહોળી ખ્યાતિ મળી અને બાળસાહિત્યના કુશળ કસબી તરીકે એ બહાર આવ્યા. આ પુસ્તક વિશે એ સમયના ગુજરાતના કેળવણી પ્રધાન ડૉ. ભાનુપ્રસાદ પંડ્યાએ એને આવકારતાં ઉમળકાભેર પ્રસ્તાવનામાં લખ્યું:
કુમારપાળ દેસાઈએ સ્વ. શાસ્ત્રીજીના જીવનમાંથી યોગ્ય પ્રસંગોની પસંદગી કરીને તેનું રસાળ અને સરસ ભાષામાં વર્ણન કરેલું છે. તેમની પ્રમાણભૂતતા અને રજૂઆતની ચોકસાઈ વિદ્યાર્થીઓને પણ આકર્ષશે.
આ પુસ્તકથી કુમારપાળ સાહિત્યના ક્ષેત્રમાં રીતસર પ્રવેશ કરે છે. તેમના પિતા શ્રી જયભિખ્ખની માફક તેમની લેખનયાત્રા શુભ ફળદાયી અને ઊર્ધ્વમુખી નીવડો એવી મારી શુભેચ્છા છે.”
લાલ ગુલાબ' પુસ્તકની એકસાથે ચાલીસ હજાર પ્રત પ્રગટ થતાં જ વેચાઈ ગઈ હતી. ગુજરાતી સાહિત્યમાં આ નોંધપાત્ર ઘટના ગણી શકાય. વળી ‘લાલ ગુલાબ' એ ગુજરાતભરમાં જાણીતી શિષ્ટવાચનની પરીક્ષામાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ થયું. ગુજરાત સરકારની ઉચ્ચ ગુણવત્તાવાળા બાળસાહિત્યની સ્પર્ધામાં લાલ ગુલાબને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો.
એવામાં ૧૯૬૬ની ૧૧મી જાન્યુઆરીએ રશિયાના તાન્કંદ શહેરમાં હૃદયરોગના હુમલાથી ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થયું. આ સમયે ગુજરાતનાં અખબારો અને સામયિકોમાં લાલબહાદુર શાસ્ત્રી વિશેના કુમારપાળના ચરિત્રલેખો પ્રગટ થયા. પોતાના આ ચરિત્રનાયકના જીવનને સંપૂર્ણપણે આલેખે એવા ચરિત્રની જરૂર જણાઈ. આને પરિણામે લાલબહાદુર શાસ્ત્રીના જીવનનાં તમામ પાસાંઓને લક્ષમાં રાખીને ત્રણસો પાનાંનું મહામાનવ શાસ્ત્રી' નામનું પુસ્તક તૈયાર કર્યું. આ પુસ્તકનો પ્રકાશન-સમારોહ ૧૯૬૬ની ૨૦મી એપ્રિલે અમદાવાદના એચ. કે. કૉલેજ હૉલમાં યોજવામાં આવ્યો. ગુજરાતની પુસ્તકપ્રકાશન ક્ષેત્રે પ્રસિદ્ધ એવી સંસ્થા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે વિખ્યાત સાહિત્યકાર ધૂમકેતુના અવસાન પછી એમની અપૂર્ણ રહેલી નવલકથા “ધ્રુવદેવી’ તેમજ નવોદિત લેખક કુમારપાળના પુસ્તક “મહામાનવ
ધીરજલાલ ગજર