________________
ડૉ. કુમારપાળ દેસાઈ ઉત્તમ લેખકની સાથે માર્મિક વિવેચક છે. સાહિત્યની સાથે-સાથે ક્રિકેટમાં પણ સારું પ્રભુત્વ ધરાવે છે. તેમનાં પુસ્તકો યુવાનોથી માંડીને વૃદ્ધો સુધી બધાને ઉપયોગી બન્યાં છે, તેનું કારણ એ છે કે તેમનામાં જે વિચારો છે તે તેમના લેખનમાં આવે છે. તેમની ભાષા વાંચવામાં પ્રભાવશાળી અને સમજવામાં સુગમ છે.
વ્યક્તિના જીવનમાં હતાશા કે નિરાશા હોય અને જીવનમાં પ્રગતિ સાધવાની તમન્ના હોય અને બાળકોને જે સંઘર્ષ કરવો પડે તે એમના પુસ્તક “નાની ઉંમર અને મોટું કામમાં સારી રીતે જોવા મળે છે. ડૉ. કુમારપાળ દેસાઈનું નામ આજે દેશભરમાં જાણીતું છે, કારણ કે તેઓ નાના બાળક સાથે બાળક, યુવાનો સાથે મિત્ર અને વડીલો કે વૃદ્ધો સાથે આદર્શ ભાવે દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. એટલું જ નહીં, જે વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે તેમ છે તેઓને સ્કોલરશીપ આપીને આર્થિક રીતે પ્રોત્સાહન પણ પૂરું પાડે છે.
આટલી વિદ્વત્તા વરેલી હોવા છતાં ડૉ. કુમારપાળ દેસાઈને અભિમાન સ્પર્શી શક્યું નથી. સદાય તેમનો પ્રેમાળ અને હસમુખો ચહેરો જાણે કે લોકો માટે જ તેમનું જીવન સર્જાયું હોય તેવો લાગે છે. ડૉ. કુમારપાળ દેસાઈ લોકો માટે કંઈક નવું કરવાનું વિચારતા હોય છે. તેમનું આદર્શ વ્યક્તિત્વ, તેમની સાદાઈ સહુને ગમે છે. આજેય ડૉ. કુમારપાળ દેસાઈ “ગુજરાત સમાચારમાં “ઈંટ અને ઇમારત', ઝાકળ બન્યું મોતી', પારિજાતનો પરિસંવાદ જેવી કૉલમો નિયમિત લખે છે. તેમના એક પુસ્તક “અપંગનાં ઓજસ'નું બ્રેઇલ લિપિમાં અને હિંદીમાં રૂપાંતર પણ થયું છે.
છેલ્લે આપણે એટલું તો ચોક્કસ પણે કહી શકીએ કે ડૉ. કુમારપાળ દેસાઈ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને તેમનું આદર્શ વ્યક્તિત્વ આપણને સૌને પ્રેરણારૂપ બની રહે તે જ અભ્યર્થના.
સંક્ષિપ્તમાં કહું તો ડૉ. કુમારપાળ દેસાઈ સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છે, પરંતુ મને તે ગરવી ગુજરાતનું મહામૂલું ઘરેણું લાગ્યા છે. તેમના વિચારોનાં વાવેતર હજુ વધુ ને વધુ સમૃદ્ધ બની ઊગી નીકળે તેવી શુભકામનાઓ.
471 ભીમજીભાઈ નાકરાણી