________________
આમંત્રણ સ્વીકાર્યું તે નિખાલસતા અને સહજતાનું આજે પણ મને સ્મરણ છે. અમારા આમંત્રણ પ્રમાણે ડૉ. કુમારપાળ નિર્ધારિત દિવસે અમારી કૉલેજમાં આવ્યા અને ક્રિકેટની રમત સાથે સંકળાયેલી કેટલીક રમૂજી અને રસપ્રદ વાતો પોતાના વ્યાખ્યાનમાં તેમણે જે રીતે વણી લીધી તેનાથી હું ખૂબ પ્રભાવિત થયેલો. પ્રશ્નોત્તરી સાથેના એકથી દોઢ કલાકના તેમના વ્યાખ્યાન દરમિયાન ખીચોખીચ ભરેલા કૉલેજના સભાખંડમાં ટાંકણી પડે તોપણ તેનો અવાજ સંભળાય તેવી શાંતિ પ્રસરેલી. વ્યાખ્યાનની અધવચ્ચે એક પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થિની સભાખંડ છોડીને જતા રહ્યાં ન હતાં તે બાબત આજે પણ મને યાદ છે. કોઈ વ્યક્તિ માત્ર વિદ્વાન છે તેથી તે સારા વક્તા પણ હોઈ શકે છે આ વાત સાચી નથી. વિષયના જ્ઞાન ઉપરાંત વક્તાની ભાષા તથા વિષયની રજૂઆત કરવાની તેની શૈલી લોકભોગ્ય હોવી જોઈએ. વળી વિદ્યાર્થીઓના સમૂહ સમક્ષ વ્યાખ્યાન આપી લોકચાહના મેળવવી એ બાબત કેટલાક વિશિષ્ટ ગુણો માગી લે છે. આમ ડૉ. કુમારપાળ અને મારી વચ્ચે, વક્તા અને શ્રોતા વચ્ચે હોય છે તેવો સેતુ છેલ્લા બે દાયકાથી કાયમ માટે બંધાઈ ગયેલો છે. કુમારપાળ દેસાઈને એક ઉમદા વક્તા તરીકે હું બિરદાવું છું.
ડૉ. કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વનાં બે બીજાં પાસાંઓનો અહીં ઉલ્લેખ કરવાનું મને ગમશે. એક તો તેઓ ક્યારેય પણ માંદા પડ્યા હોય તેવું લગભગ આજદિન સુધી સાંભળેલું નથી અને બીજું કોઈના પર ક્યારેય પણ ગુસ્સે થયેલા મેં તેમને જોયા નથી. આમાંથી પહેલી વાત વ્યક્તિની શારીરિક સ્વસ્થતા સાથે સંબંધ ધરાવે છે અને બીજી વાત માનસિક સ્વસ્થતા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. જેનું શરીર અને ચિત્ત સ્વસ્થ હોય તે એકસાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કોઈ પણ જાતના ક્ષોભ વિના સફળતાપૂર્વક પાર પાડી શકે છે. ડૉ. કુમારપાળ અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટો સાથે સંકળાયેલા છે, તેઓ સતત દેશવિદેશનો પ્રવાસ ખેડતા હોય છે, અનેક પ્રકારનાં કામોમાં એકસાથે રોકાયેલા હોય છે, છતાં તેમનું માનસિક સંતુલન ક્યારેય પણ વિચલિત થયેલું મારા જોવામાં આવેલું નથી.
ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે શરૂઆતથી જ સંકળાયેલા છે. તેના સંદર્ભમાં હું બે બાબતોનો ઉલ્લેખ કરવા માગું છું. એક તો, તેઓ વિશ્વકોશના ટ્રસ્ટી મંડળના સભ્ય હોવા ઉપરાંત ક્યારેક લેખક તરીકે પણ પોતાની સેવાઓ વિશ્વકોશને પૂરી પાડે છે. રમતગમત અને ખાસ કરીને ક્રિકેટ વિશેનાં તેમનાં અધિકરણો દાદ માગી લે તેવાં હોય છે. બીજી તેનાથી પણ વિશેષ મહત્ત્વની બાબત મારી દૃષ્ટિએ એ છે કે વિશ્વકોશના મુખ્ય સંપાદક ડો. ધીરુભાઈ ઠાકર અને ડૉ. કુમારપાળ દેસાઈ બંને જે કોઈ નિર્ણયો લે છે અને જે કાંઈ કરે છે તે પરસ્પર સંવાદિતા અને સુમેળ સાધીને જ કરતા હોય છે જેને કારણે અત્યંત ટાંચાં સાધનો છતાં વિશ્વકોશનો એક ભૂમિકાખંડ તથા ૧૮ સળંગ ખંડો અને પ્રથમ બે ખંડોની સુધારેલી આવૃત્તિઓ, છેલ્લાં છ વર્ષમાં
458 બહોળા પરિવારના સભ્ય