________________
દેસાઈ અને હું ગુજરાત સાહિત્ય પરિષદના મંત્રી હતા. પરિષદના મંત્રી તરીકે કુમારપાળ દેસાઈ સાથે સાહિત્યિક પ્રવૃત્તિ કરવાનું બન્યું. તે સમયની કેટલીક સ્મૃતિઓ આજે પણ ચિત્ત પર અંકિત થયેલી છે.
૧૯૮૦ થી ૧૯૮૬ સુધી કુમારપાળ દેસાઈએ ગુજરાતી સાહિત્ય પરિષદમાં કરેલી અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિનું આજે પણ સહુ સાહિત્યરસિકો સ્મરણ કરે છે. શ્રી રઘુવીર ચૌધરીની રાહબરી હેઠળ એ સમયગાળામાં ગુજરાતી સાહિત્ય પરિષદે અપ્રતિમ વિકાસ સાધ્યો. એક સમયે શ્રી ચુનીલાલ મડિયા મજાકમાં કહેતા કે ગુજરાતી સાહિત્ય પરિષદને પોતાનું કોઈ સરનામું નથી. પરિષદના કાર્યાલયને પોતીકું સ્થળ નહોતું. એ પછી પરિષદને સરનામું મળ્યું. આશ્રમ માર્ગ પર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની પાછળ નદીકિનારે એનું ભવન તૈયાર થયું અને એ ભવનમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરીને સાહિત્યરસિકો અને સહૃદયોને સામેલ કરવાનું કાર્ય કુમારપાળ મંત્રી હતા, તે સમયગાળા દરમ્યાન થયું.
આ સમયે ગુજરાતી કવિતાના એવા જાહેર કાર્યક્રમો થયા કે એમાં પરિષદમાં આવેલું મેઘાણી પ્રાંગણ છલકાઈ ઊઠ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદે જુદા જુદા વિષયો પર પરિસંવાદોનું આયોજન કર્યું. આમાં કેટલાંક આયોજનો શ્રી કુમારપાળ દેસાઈએ કર્યા હતાં. ૧૯૮૦ની ૨૦મી એપ્રિલે સાહિત્ય અને પત્રકારત્વ વિશે પરિસંવાદ યોજવામાં આવ્યો. એક અર્થમાં કહીએ તો આની ફલશ્રુતિ એ રહી કે પત્રકારો સાહિત્યકારોની નજીકમાં આવ્યા અને સાહિત્યકારોને પણ પત્રકારત્વની આંટીઘૂંટી અને વિશેષતાઓનો પરિચય મળ્યો. આ પરિસંવાદનું આયોજન ડો. કુમારપાળ દેસાઈએ કર્યું હતું અને જેમાં ૨૩ જેટલા વક્તાઓએ જુદાં જુદાં પાસાંઓ પર વક્તવ્ય આપ્યું હતું.
૧૯૮૦ની એપ્રિલની ૨૦મીએ આ પરિસંવાદ થયો અને જૂન મહિનામાં તો પરિષદના સામયિક પરબ'નો ‘સાહિત્ય અને પત્રકારત્વ' એ વિષય પર દળદાર વિશેષાંક પ્રગટ થયો ! એ વિશેષાંક એ પછી તો પુસ્તકાકારે પણ પ્રગટ થયો અને એની ઉપયોગિતા એટલી પુરવાર થઈ કે એ પુસ્તકનું પુનઃમુદ્રણ પણ થયું.
એ જ રીતે ૧૯૮૧ની ૨૫, ૨૬ અને ૨૭ એપ્રિલના રોજ અમદાવાદમાં શ્રી રઘુવીર ચૌધરી અને શ્રી કુમારપાળ દેસાઈએ મળીને ઉર્દૂ સાહિત્ય અને ગુજરાત' વિષય પર અનેક કાર્યક્રમો યોજ્યા હતા. અમદાવાદમાં એ સમયે કોમી અશાંતિ હતી, તેમ છતાં અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડનમાં ભવ્ય મુશાયરો યોજ્યો હતો. આવી જ રીતે ગુજરાતી ભાષામાં બાળસાહિત્યની ઉપેક્ષા થતી હોવાનું કહેવાતું હતું. ૧૯૮૩ની ૨૫ અને ૨૬ જૂને ગુજરાતી સાહિત્ય પરિષદમાં બાળસાહિત્ય વિશેનો સેમિનાર યોજાયો, જેમાં ૩૫ જેટલા વક્તાઓએ ભાગ લીધો હતો. એ પછી
452 મૈત્રીનો આરંભકાળ