________________
પણ કુમારપાળ દેસાઈનું પ્રદાન એ પછી ઈંટ અને ઇમારત', ઝાકળ બન્યું મોતી', પારિજાતનો પરિસંવાદ' વગેરે અનેક વિભાગોમાં વિસ્તર્યું જેની યાદી અહીં આપવાની જરૂર નથી.
- કુમારપાળ દેસાઈ વ્યવસાયે અધ્યાપક છે એ ખરું, પરંતુ તેમણે એક ફ્રી લાન્સ પત્રકાર તરીકે જે કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે તે કોઈ પણ વ્યવસાયી પત્રકારથી ઘણું વધારે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. એમના કેટલાક લેખવિભાગોનું સંપાદન કરવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે તેના આધારે હું ખાસ કરીને નીચેના મુદ્દાઓનો ઉલ્લેખ કરવા માગું છું.
(૧) સ્પષ્ટ અને સુઘડ લખાણ, (૨) સરળ પણ સુયોગ્ય શબ્દોનો પ્રયોગ, (૩) પ્રાસંગિકતા, (૪) નાવીન્ય, (૫) ઉપદેશ નહિ, પણ બોધ (પ્રસંગકથા), (૬) ચોકસાઈ અને ચીવટ, (૭) નિયમિતતા.
અમદાવાદમાં હોય કે દેશની બહાર હોય ત્યારે પણ તે અગાઉથી જાણ કરે એટલું જ નહિ, પરંતુ વાચકો તથા સંપાદક પ્રત્યેની પોતાની ફરજ સુંદર રીતે અદા કરવા તારીખવાર લેખ-સંપુટ મળી રહે તેવી કાળજી પણ એ રાખે છે. આવું ઘણા ઓછા કૉલમિસ્ટમાં જોવા મળે છે. ટૂંકમાં કુમારપાળે સંપાદકોને બ્લડપ્રેશર વધી જાય તેવો ઉચાટ ક્યારેય થવા દીધો નથી. સંપાદકો સાથે તો તેમનો વ્યવહાર પણ ખૂબ જ આત્મીયતાભર્યો રહ્યો છે. પોતાના વાચકોના પત્રો પણ એ નિયમિત રીતે સંપાદક પાસેથી મેળવી લે છે, આથી વાચકો સાથેનો તેમનો નાતો પણ દ્વિમાર્ગી રહ્યો છે. અખબાર કે સામયિકના લેખકોમાં વાચકો પ્રત્યેની આવી પ્રતિબદ્ધતા ખાસ કરીને સફળ અને લોકપ્રિય નીવડેલા લેખકોમાં જવલ્લે જ જોવા મળે છે.
મારા અનુભવ પરથી હું એમ કહી શકું કે કુમારપાળ દેસાઈએ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ક્યારેય પ્રયત્ન કર્યો નથી. સામાન્ય રીતે દરેક લેખકના મનમાં લોકપ્રિય થવાની ઇચ્છા હોય અને એ માટે તે પોતાના વિચારો કે સિદ્ધાંતોમાં બાંધછોડ કરી અંગ્રેજીમાં જેને પ્લેઇંગ ટુ ધ ગેલેરી’ કહે છે તેવા સ્તરે પણ ઊતરી જતા હોય છે. પોતાના લખાણને ધારદાર બનાવવા જોશીલા અને ક્યારેક કટુ અને ઉગ્ર શબ્દોનો આશરો પણ લે છે, પરંતુ ડૉ. કુમારપાળ સરસ્વતીના ઉપાસક હોઈ એક પણ અનુચિત શબ્દ જાણે-અજાણે પણ લખાણમાં સરી ન જાય તે સુનિશ્ચિત કરે છે. સાથે સાથે અખબારના સામાન્ય વાચકને સમજવા મુશ્કેલ એવા અઘરા શબ્દોનો પ્રયોગ કરી પોતાનું પાંડિત્ય દર્શાવવાના મોહથી પણ દૂર રહે છે.
અખબારોમાં પ્રગટ થતા લેખોનું સ્તર ઊંચું રાખવાની સાથે સાથે તેને લોકભોગ્ય બનાવવાના કૌશલ્ય તેમને ગુજરાત સમાચાર'ના અત્યંત લોકપ્રિય કટારલેખક બનાવ્યા છે. એકસાથે અનેક વિષયો પર લખવા માટે જે પરિશીલન અને પરિશ્રમ જરૂરી છે, તેમાં તે ક્યારેય ઊણા ઊતર્યા નથી. ગુજરાતી ભાષામાં તો ઠીક પણ રાષ્ટ્રભાષા હિન્દી કે અંગ્રેજીમાં પણ મેં હજુ સુધી આવા બહુમુખી પ્રતિભાસંપન્ન કટારલેખકને જોયા-જાણ્યા નથી. એમનું જીવન અને સર્જન કોઈ પણ સાહિત્યકાર, અધ્યાપક કે પત્રકાર માટે એક પાઠ્યપુસ્તક સમાન છે.
431
મહેશ ઠાકર