________________
વ્યક્તિત્વની આ ગરવાઈ અને ગરિમા અમને એમના માટે અહોભાવ જગાવે છે. એમની સાથેના છેલ્લા બે-અઢી દાયકાનાં આવાં તો અનેક સંભારણાં છે. મારે કંઈ પણ સંદર્ભ સામગ્રી જોઈતી હોય, એટલે એમને જણાવીને નિશ્ચિત થઈ જવાનું આપણે ધાર્યા કરતાં વહેલા આપણને સામગ્રી મળી જાય અને પાછું કામ કેટલે પહોંચ્યું એની ખબર પણ કાઢતા રહે. એમ થાય કે આપણે સભાગી છીએ કે કુમારપાળ જેવા આપણી ખેવના રાખે છે, કાળજી રાખે છે. અકારણ સ્નેહ, પ્રીતિ કે સદ્ભાવ મને જે થોડા મિત્રો-વડીલોનાં મળ્યાં એમાં કુમારપાળ પણ છે.
એમના ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક અર્પણવિધિ વખતના એક કાર્યક્રમમાં મેં કહેલું કે, આ કાર્યક્રમ કુમારપાળ માટે છે એની પ્રતીતિ અહીંયાં એક પણ ખુરશી ખાલી નથી તે છે. વળી, કનુભાઈ જાનીથી માંડી કુલીનચંદ્ર યાજ્ઞિક સુધીના અનેક વડીલો, સાહિત્યકારો, કુલપતિઓ, ઉપકુલપતિઓ અને કેટલા બધા સાથી મિત્રો અને શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત છે. આ ઉપસ્થિતિ જ આપણને કુમારપાળના વ્યક્તિત્વનો પરિચય કરાવવા માટે પૂરતી છે. વ્યવહારજગતના સમાજના વિવિધ પ્રકારના અનેક વર્ગના લોકોને એકસાથે જોવાનો અને મળવાનો પણ આ પ્રસંગ છે અને એ કારણે પણ આ પ્રસંગ વિરલ છે. મારી આ વાતને સભાગૃહે તાળીઓથી વધાવેલી.
એમની કૉલમો વાંચતો રહ્યો છું. વચ્ચે સિંગાપોર કે લંડન પ્રવાસવૃત્તોની શૃંખલા આવી ત્યારે કહેલું કે “ઈંટ અને ઇમારતમાંથી કંઈ નહીં તો આ પ્રવાસવૃત્તનું પુસ્તક તો પ્રકાશિત કરો. કહે કે ખરેખર કરવું છે પણ જોઈએ ક્યારે કરવું. ઈટ અને ઇમારતના તમામ નિબંધોને જો વિભાગીકરણ, વર્ગીકરણ અને ગ્રંથસ્થ કરીએ તો ઓછામાં ઓછા સોએક ગ્રંથો થાય. એમાંથી ચરિત્રો અને માનવતાવાદી દૃષ્ટિબિંદુવાળા પ્રસંગો અને પ્રવાસની સામગ્રી તો મને ખૂબ જ હૃદયસ્પર્શી જણાય છે. પણ એમના દ્વારા જે પ્રકાશન થયું છે એ કાંઈ ઓછું નથી.
એમના ચરિત્રનિબંધોના સંચય અને ચરિત્રગ્રંથો આપણે ત્યાં ચરિત્રસાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વનો હિસ્સો બની રહેશે. સી. કે. નાયડુ કે લાલબહાદુર શાસ્ત્રીનાં ચરિત્રો આરંભે લખેલાં પણ પછી સતત પ્રવાહ ચાલુ રહ્યો તે આ ચરિત્રલેખનનો.
એમણે જે કાંઈ ચરિત્રો લખ્યાં છે એમાં યુ. એન. મહેતાનું ચરિત્ર એક ઉત્તમ ચરિત્રગ્રંથ છે. આવી મોટી દવાની કંપનીના માલિક બન્યા એમની પૂર્વાવસ્થા કેવી વિચિત્ર હતી. ડ્રગ એડિક્શન હોય એવી વ્યક્તિના પલટાયેલા વ્યક્તિત્વની ઓળખ સમાજ સમક્ષ કરાવવા માટે એમણે જે શૈલી સ્વીકારી છે એ શૈલી સાચે જ ચરિત્રગ્રંથ કઈ રીતે લખવા અને પોતાના સમયની વ્યક્તિનું અધિકૃત ચરિત્ર કઈ રીતે મૂકવું એનું ઉત્તમ ઉદાહરણ છે. યુ. એન. મહેતાવિષયક ચરિત્ર ઉપરાંત બીજું પ્રેમચંદ વ્રજપાળ શાહ વિશે પણ લખ્યું છે. એમણે લખેલાં તમામ ચરિત્રો ખરા અર્થમાં વિશિષ્ટ છે,
29 બળવંત જાની