________________
ચાંપશીભાઈએ પોતાની ટેવ મુજબ એ જ દિવસે એ લેખ વાંચી નાખ્યો અને સ્વીકૃત લેખોના બોક્ષમાં મૂકી દીધો.
બે દિવસ પછી કુમારપાળ આવ્યા ત્યારે ચાંપશીભાઈએ તેમને આવકાર આપી બેસાડ્યા અને કહ્યું, “તમારું લખાણ હું વાંચી ગયો છું. તમે સારું લખો છો. લખવાનું ચાલુ જ રાખજો. જો તમે નિયમિત લખવાનું સ્વીકારો તો હું “નવચેતનામાં દર અંકે એ લેખો પ્રગટ કરતો રહીશ.”
આ સાંભળી કુમારપાળના આનંદનો પાર ન રહ્યો. ૧૯૬૦થી તેઓ “નવચેતનમાં નિયમિત રીતે વર્ષો સુધી ખેલ અને ખેલાડી' શીર્ષક કૉલમમાં લખતા રહ્યા અને વાચકોને એ લેખો અત્યંત ગમવા લાગ્યા.
કુમારપાળ સાથે એ વખતનો મારો પરિચય તે આજ સુધી પ્રસન્નપણે ચાલુ રહ્યો છે. ૧૯૭૪માં ચાંપશીભાઈનું અવસાન થયું ત્યાર પછી પણ તેમણે વર્ષો સુધી એ કૉલમ ચાલુ રાખી અને હજી જ્યારે જ્યારે હું નવચેતન' માટે લખવાનું કહું છું ત્યારે પ્રેમપૂર્વક અને લેખો આપે છે અને તે પણ પુરસ્કાર લીધા વિના, એટલું જ નહિ, નવચેતન' વધુ ને વધુ કેમ સમૃદ્ધ બને એની સતત ચિંતા સેવે છે. નવચેતન'ને ૭૫ વર્ષ પૂરાં થયાં ત્યારે તેમણે નવચેતનાના પત્રકારત્વ અંગેના અંકનું સંપાદન કર્યું હતું. એ અંક ખૂબ જ વખણાયો હતો.
નવચેતનમાં “ખેલ અને ખેલાડીઓની એમની કૉલમ અત્યંત લોકપ્રિય હતી. વળી નવચેતન'ના પ્રત્યેક દીપોત્સવી અંકમાં કોઈ એક ભારતીય ક્રિકેટર વિશે અત્યંત વિગતપૂર્ણ અને તસવીરો સહિતનો એમનો લેખ પ્રગટ કરવાનો મુરબ્બી શ્રી ચાંપશીભાઈ આગ્રહ રાખતા. આ ઉપક્રમમાં રણજિતસિંહ, દુલિપસિંહ, સી. કે. નાયડુ વિજય મર્ચન્ટ, લાલા અમરનાથ, વિનુ માંકડ જેવા ક્રિકેટરોનાં માર્મિક ચરિત્રો કુમારપાળની કલમે પ્રાપ્ત થયાં હતાં. “નવચેતને એના આ કૉલમ-લેખકને ૧૯૭૮માં રોપ્ય ચંદ્રક આપીને સન્માન્યા હતા, પરંતુ આ બધાથી પણ વિશેષ તો તેઓ પોતાની કલમને પ્રગટવાની તક આપનાર ‘નવચેતન' તરફ સદેવ ઋણભાવ અનુભવતા આવ્યા છે. બહુ ઓછા સર્જકો જીવનના પ્રારંભે આંગળી પકડીને આગળ લાવનાર સંપાદક કે સામયિકને યાદ કરતા હોય છે. કુમારપાળભાઈની દરિયાવ દિલી એટલી કે આજે પણ આ સામયિક માટે મદદ કરવામાં સહેજે પાછી પાની ન કરે, બલ્ક એના વિકાસ માટેના પ્રયત્નો કરવાની પ્રેરણા આપે છે. આ પુસ્તકના આયોજનમાં આથી જ “નવચેતન' આનંદ અનુભવે છે.
સાહિત્ય, શિક્ષણ, ધર્મચિંતન, વિવેચન, પત્રકારત્વ, જેને તત્ત્વદર્શન, રમતગમત વગેરે ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવે તેવું પ્રદાન કરનાર બહુમુખી પ્રતિભા ધરાવનાર અને પોતાની વિદ્વત્તાનો લેશમાત્ર ભાર ન રાખનાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનાં જીવન-કવન અને પ્રદાન
47 મુકુન્દ પી. શાહ