________________
થયાં જ છે. એક નમૂનો ગણાવું તેનો મર્મ એ જ છે કે આટલી વ્યસ્તતા વચ્ચે પણ મિત્રનું સાવ ફોતરાં જેવું કામ, કેટલા સક્રિય થઈને, રસપૂર્વક પાર પાડે છે આ માણસ ! વાત એમ.ફિલ.ના બિલની હતી. ગુજરાત યુનિવર્સિટીના એમ.ફિલ. (ગુજરાતી) માટેના લઘુશોધપ્રબંધોના પરીક્ષણની કામગીરી પૂરી કર્યા બાદ તેના વેતનના ચેક આવતા નહોતા. ડૉ. કુમારપાળ ત્યારે (અને આ લખાય છે ત્યારે પણ) ભાષાભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ હતા. તેમને મેં ફોન વત્તા પત્રથી આ વિલંબિત પેમેન્ટ અંગે ફરિયાદ કરી અને ઉદાસીનભાવે ફરિયાદપત્ર પોસ્ટ કર્યો. ‘ઉદાસીનભાવે’ એ હું સાભિપ્રાયપણે લખું છું કેમ કે મારા મોટાભાગના અનુભવો મુજબ ‘આવા’ પત્રોની સામો પક્ષ નોંધ સુધ્ધાં લેતો નથી અને મોટેભાગે તે કચરાટોપલીને હવાલે થાય છે.
થોડા જ (રિપીટ : ‘થોડા જ’) દિવસોમાં યુનિવર્સિટી તરફથી એક પરબીડિયું મળ્યું અને હા, તેમાં વેતનના ચેક પણ હતા ! ઉપર, આંખે ઊડીને વળગે એવા ખાદીના કાગળ પર, છાપેલા પેડ ૫૨, એથીયે સુંદર અક્ષરોમાં કુમારપાળનો પત્ર હતો કે ‘વિલંબ’ થયો છે તો દરગુજર કરશો !
હું આ આખી વાતને એક જુદા, મૂલ્યના પરિપ્રેક્ષ્યમાં જોઉં છું. આજે આ કે તે સત્તાના સ્થાને બેઠેલા માણસોમાં મુલાયમતા, માનવતાનો સદંતર અભાવ વરતાય છે. એક પ્રકારની ધૃષ્ટતા, રુક્ષતા, તિરસ્કારભાવ અન્યો પ્રત્યેના વ્યવહારમાં પ્રગટ થતાં રહે છે. ખુરસીજન્ય બીભત્સતા તેમના વ્યક્તિત્વમાં પ્રસાર પામતી જાય છે. વ્યક્તિ તેનાથી લાજવાને બદલે ગાજે છે. અન્ય માનવીઓ સાથેનો તેનો વ્યવહાર રાતોરાત બદલાઈ જાય છે. કુમારપાળ માટે આવી કોઈ દુર્ઘટના બની નથી એની નોંધ મેં બહુ જ ભારપૂર્વક અત્યારસુધી મનોમન લીધી છે. આજે આ પ્રસંગે એ નોંધને હું જાહે૨ ક૨તાં ગૌરવ અનુભવું છું. સત્તાએ એમના આભિજાત્યને અભડાવ્યું નથી એ મારે મન અતિશય મહત્ત્વની ઘટના છે. આજે તો વગર સત્તાએ પણ કેટલાક Sub-Standard માણસો રોફ-રુઆબ છાંટતા રહે છે ત્યારે સત્તા મળ્યા બાદ પણ શુષ્ક કે રુક્ષ થયા વગર, સ્નિગ્ધ, મુલાયમ અને માનવમાત્ર પ્રત્યે મુગ્ધ રહેવું એ એક વિશિષ્ટ સંસ્કાર માગી લે છે. આ સંસ્કારવિશેષ’ એમનામાં સ્વ. પિતાશ્રી, ગયા જમાનાના સુપ્રસિદ્ધ લેખક જયભિખ્ખુના વારસામાં મળ્યો છે તો બીજી તરફ જૈન-અનુશાસનના મનન-અધ્યયનમાંથી પણ મળ્યો અને જળવાયો છે.
એમના અસંખ્ય વિદેશપ્રવાસોએ એમની દૃષ્ટિને વિશાળતા અર્પી છે. ભાતભાતના સમાજોમાં ૨હેવા-ફરવાના પ્રભાવે આપણી વૈચારિક અને દ્દષ્ટિગત સંકીર્ણતાઓ લોપ પામે છે. તળપદી વાણીમાં કહીએ તો ‘તેમણે દુનિયા જોઈ છે.’ જોકે દુનિયા જોયા પછી આર સંકીર્ણ બનનારા પણ ઓછા નથી ! મૂળ વાત આભિજાત્યની છે. મોટા મોટા વિદ્વાનો, અધિકારીઓ, સાધુસંતોની સાથે જેટલા ૨સપૂર્વક વાત-વ્યવહાર કરે એટલા જ પ્રેમરસપૂર્વક નાના, સામાન્ય, માણસ, અદના માનવી સાથે પણ કરે એમાં પ્રગટતું સંતુલન આજના હળહળતા કળિયુગમાં વિરલ છે. કુમારપાળને એ ‘વિરલ’ને ‘સહજ’ કરતાં આવડ્યું છે. શુભેચ્છાઓ.
340
વિરલને સહજ સિદ્ધ કરનાર