________________
જીવનમાં આર્થિક સંકડામણ જોઈ. મધ્યમ વર્ગનો એક સંઘર્ષ અનુભવ્યો. ત્યારે એવું જ લાગે છે કે માનવીનું જીવન ખરેખર એક વહેતા ઝરણા જેવું છે. ક્યારેક ઊંચે, ક્યારેક નીચે, ક્યારેક સમથળ ભૂમિમાં તો ક્યારેક પાષાણ-ખડકો વચ્ચે થઈને તેને વહેવું પડે છે. પણ ગમે તેમ છે તેમાંથી પોતાનો માર્ગ શોધી લે છે. શ્રી કુમારભાઈએ નક્કી કર્યું કે આવી આર્થિક સંકડામણ હવે અનુભવવી નથી. અને ૧૯૬૪-૬૫માં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેઓએ નવગુજરાત કોલેજમાં જોડાઈ પોતાની કારકિર્દીની શરૂઆત કરી. વાંચવા-લખવાની પ્રવૃત્તિઓનો વેગ વધાર્યો. સમાજ અને સગાંવહાલાં કહેતાં કે શું કામ આટલી બધી મહેનત કરો છો ? શું વળતર પ્રાપ્ત થશે ? પણ હવે તેમણે આર્થિક પાસું બરાબર સંભાળવાનું હતું. જીવનમાં આદર્શને સાથે રાખીને મહેનત શરૂ કરી અને તેમણે અર્થ અને આદર્શ એ બે બિંદુવચ્ચે સમતોલ જીવન જીવવાની શરૂઆત કરી. તેનો તેમને અદ્ભુત આનંદ હતો.
એક સુગંધી ફૂલની માફક તેમનું વ્યક્તિત્વ વિકસતું ગયું. તેમના વ્યક્તિત્વના વિકાસનો બધો યશ તેમની માતાનો છે તેમ તેઓ માને છે. તેમનાં પૂ. માતુશ્રી જયાબહેન એક આદર્શ સન્નારી હતાં. ૧૯૩૦ના અસહકારના આંદોલનમાં તેમણે ભાગ લીધેલો. પૂ. ગાંધીજી વિશેનાં કાવ્યો તેમના પુત્રને સંભળાવતાં. માતા પાસેથી તેમણે બે-ત્રણ વિશેષતાઓ ખાસ અનુભવી. એક તો તેમની માતાનો માનવીય વ્યવહાર અદ્ભુત હતો, જે કુમારભાઈને તેમની પાસેથી શીખવા મળ્યો. કોઈના પણ આઘાતજનક મૃત્યુ વખતે લોકો તેમની હાજરીને ઇચ્છતા, કારણ તેઓ સામી વ્યક્તિને સાંત્વના, પ્રેમ અને હૂંફ આપી શકતાં. પોતે પણ પૈર્ય રાખી શકતાં. તેમની બીજી વિશેષતા એ હતી કે તેમણે કદી પણ પોતાના મનનો સંગૃહીત લાગણીઓનો ઊભરો – પછી તે સુખનો હોય કે દુઃખનો – ક્યારેય પુત્ર-પરિવાર પાસે ઠાલવ્યો નથી કે ત્યાં સુધી લાગણીઓને પહોંચવા દીધી નથી. મનમાં જ સંગ્રહીને રાખતા. ત્રીજી વિશેષતા એ હતી કે તેમના મુખેથી ક્યારેય કોઈની પણ નિંદા કે બૂરું બોલતા સાંભળવા ન મળે. વળી ઘરે આવતી કોઈ પણ વ્યક્તિ, પછી તે નાની હોય કે મોટી હોય, તેમના તરફથી બધાને એક સરખો આવકાર મળતો. બધાની સરખી સંભાળ રાખવાની. ત્યાં તેમની પોતાની મોટાઈ ક્યારેય વચમાં ન આવતી. કૌટુંબિક વ્યવહાર પણ એટલી જ કુશળતાપૂર્વક અને પ્રેમપૂર્વક સાંભળતા, ત્યારે મહાન વિચારક એમર્સનનું વાક્ય યાદ આવે છે: “Men are what their mothers made them.' માણસો તે જ હોય છે જે તેમની માતાઓએ તેમને બનાવ્યા હોય. માતાનું આ વ્યક્તિત્વ કુમારભાઈમાં બરાબર નીતર્યું છે.
સાથે સાથે સંસ્કારના આ વારસાને વધુ સમૃદ્ધ કરનાર શ્રી કુમારભાઈનાં પત્ની શ્રીમતી પ્રતિમાબહેનને કેમ ભૂલી શકાય ! જીવનના રથનાં બન્ને પૈડાં એકબીજાની સમાંતર ચાલે તો જ સંસાર સર્વ રીતે સુખી અને સફળ બને. સાસુ અને વહુને માતા અને પુત્રી જેવા સંબંધો હતા. તેઓ પણ કૌટુંબિક વ્યવહાર કુશળતાથી નિભાવે છે. નાટક, પિક્સર કે હૉટેલનો પણ તેમને શોખ નથી.
221 પ્રવીણા રસિકભાઈ ગાંધી