________________
સંશોધકો આવે તે કયા ગ્રંથાલયના ગ્રંથપાલને ન ગમે ? શ્રી કુમારપાળભાઈ ક્યારેક ક્યારેક બપોર પછીના સમયમાં આવે. પલાંઠી વાળીને બે-ત્રણ કલાક બેસે જ! ગ્રંથાલયના સેવકો પાસેથી જોઈતી માહિતી મેળવી લે વિનયસભર વ્યક્તિત્વથી સૌનાં દિલ એમણે જીતી લીધેલાં. જ્યારે કોઈ જરૂરી સંદર્ભ સાહિત્ય ન મળે ત્યારે જ મારો સંપર્ક કરે. ક્યારેક વધુ બેસવાનું થાય ત્યારે ચા મંગાવે અને એ સમયે અમને અચૂક બોલાવે. ગ્રંથાલયમાં અન્યને મળવાનું ટાળે. કોઈને ખબર ન પડે તે રીતે કોપીરાઇટ વિભાગના એક ખૂણામાં ધૂણી ધખાવીને વાંચવા-લખવા બેસી જાય અને સામયિક માટે લેખ લખે કે પોતાના મહાનિબંધ માટેના વિષયમાં સંશોધન કરે. વિદ્યાપીઠના ગ્રંથાલયમાં એમના જેવા અભ્યાસ-સંશોધનને વરેલા કેટલાયે વિદ્વાનો આવતા. આજે શ્રી કુમારપાળભાઈની સાથે એ સૌની છબીઓ અને એમની સાથેનાં સંસ્મરણોથી મન છલકી ઊઠે છે.
એક નિષ્ઠાવાન અભ્યાસુ, લેખક, સંપાદક અને સંશોધક તરીકે આજે એમની ભારે પ્રતિષ્ઠા છે; પરંતુ ધાર્મિક અને સામાજિક કાર્યો માટેની નિસ્બત પણ એટલી જ નમૂનારૂપ અને સરાહનીય છે. શ્રી જૈન દશા ઓશવાલ સંઘ, સિનોરનો હું પ્રમુખ હતો, તે અરસાની વાત છે. ત્યારે સંઘનું મુખપત્ર કાઢવું એમ નક્કી થયું. સંપાદકમંડળમાં મારી સાથે અન્ય બે મિત્રો પણ જોડાયા. તેમાંના એક શ્રી ઇન્દુભાઈ સ્વરૂપચંદ શાહ, તેઓ ખૂબ ઉત્સાહી. તેમણે કાર્યની ઘણી જવાબદારી સંભાળી લીધી. મુખપત્રનું કયું નામ રાખવું તેની સહમતી સધાઈ નહિ. આ માટે શ્રી કુમારપાળભાઈનું માર્ગદર્શન લેવાનું નક્કી થયું. અનેક કાર્યોમાં અત્યંત વ્યસ્ત હોવા છતાં તેમણે અમને એમના ઘેર મળવાનો સમય આપ્યો. અમે મળ્યા. અનેકનામોની ચર્ચાવિચારણા કરી છેવટે એક નામ નક્કી કર્યું તે હતું–‘સિનોર સૌરભ'. સૌને આ નામથી સંતોષ થયો. આ રીતે અનેક કાર્યોની વચ્ચે પણ અમને આ અને અન્ય વિષયોમાં સલાહ-સૂચનો આપ્યાં તે સવ્યવહારને અમે આજે પણ ભૂલ્યા નથી.
એક બીજી પણ વાતનું સ્મરણ થાય છે. સંભવનાથ જૈન આરાધના કેન્દ્ર નામનું ટ્રસ્ટ પ. પૂ. સાધુ-સાધ્વી ભગવંતો માટે વૈયાવચ્ચ ધામ અને વૃદ્ધ-વડીલ જૈનો માટે વાત્સલ્યધામનું તારંગા તળેટીમાં અંબાજી હાઈ-વે પર નિર્માણ-કાર્ય કરી રહ્યું છે. અમારા ટ્રસ્ટમાં જોડાવા માટે અમે વિનંતી કરી. પ્રારંભે તો એમણે અનેક કાર્યોમાં વ્યસ્ત હોવાના કારણે જોડાવા માટે નમ્રતાપૂર્વક ના કહી, પરંતુ અમારા સૌના અતિ આગ્રહને વશ થઈ ટ્રસ્ટમાં જોડાયા, અને ના-હાની વચ્ચે સ્થાયી. સમિતિનું અધ્યક્ષપદ સ્વીકારીને ટ્રસ્ટને એમનું મહામૂલું માર્ગદર્શન આપતા રહ્યા છે.
અમદાવાદમાં હોય ત્યારે તો અમારા અનેક કાર્યક્રમોમાં જરૂર આવે જ. પરંતુ એક વખત એવું બન્યું કે તારંગા તળેટીમાં નિર્માણ થનાર વૈયાવચ્ચ ધામના સંકુલના વિભાગોની ખનનવિધિનો સમારોહ ઈ. સ. ૨૦૦૨ની પહેલી ડિસેમ્બરે ગોઠવાયો. આ અવસરે એમણે અતિથિવિશેષ તરીકે હાજરી આપવાનું સ્વીકારેલું પણ ખરું. પરંતુ બન્યું એવું કે પછીના દિવસોમાં
204 નોખી કોટિના વિદ્વાન, અનોખી કોટિના માનવી!