________________
કુમારપાળભાઈ સાથેનો મારો સંબંધ પણ ખૂબ આત્મીય અને ઉષ્માભર્યો રહ્યો છે. અમારા પરિવારના ટ્રસ્ટ દ્વારા સંચાલિત મોહિનાબા કન્યા વિદ્યાલયમાં મારી વિનંતીને માન આપી કુમારપાળભાઈના પૂજ્ય કાકા શ્રી રતિલાલ દીપચંદભાઈ દેસાઈ નીતિશિક્ષણના વર્ગોમાં સેવાઓ આપતા હતા. નિયમ મુજબના વર્ગોના સમય ઉપરાંત વિશેષ સગવડ રૂપે ટ્રસ્ટ દ્વારા આ પ્રવૃત્તિ ચાલતી હતી. પૂજ્ય શ્રી રતિભાઈના અવસાન બાદ નીતિશિક્ષણનું એ કાર્ય મારી વિનંતીને માન આપી કુમારપાળભાઈએ પણ ચાલુ રાખ્યું. એ પ્રવૃત્તિમાં કુમારપાળભાઈનું પ્રદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહ્યું.
ઘણા સમય અગાઉ શ્રી ધીરુભાઈ ઠાકર તથા શ્રી સાંકળચંદભાઈ વિશ્વકોશની એક ખૂબ જ મહત્ત્વાકાંક્ષી યોજના સાકાર કરવાના સંકલ્પ સાથે મને મળ્યા. તેઓના આ સંકલ્પમાં શ્રી કુમારપાળભાઈ પણ જોડાયા હતા. ગુજરાતી ભાષામાં આ પ્રકારના કોશનું આયોજન રેતીમાં નાવ ચલાવવા જેવું લાગ્યું, તેમ છતાં તે સૌનો તે સમયે આ યજ્ઞ પાર પાડવાનો દઢ નિર્ધાર જોઈને હું પણ તેમાં જોડાયો. કુમારપાળભાઈની બહુમુખી પ્રતિભાએ અને ડૉ. ધીરુભાઈ ઠાકરના ભેખધારીપણાને કારણે વિશ્વકોશના આ યજ્ઞનું કાર્ય સુપેરે ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં તેના હજાર હજાર પાનાંનો એક એવા ૧૮ ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યા છે અને અત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું નવું મકાન પણ તૈયાર થઈ રહ્યું છે. આયોજનબદ્ધ છતાં ઘણો કરકસરપૂર્ણ વહીવટ એ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વિશેષતા છે. મારી દૃષ્ટિએ કુમારપાળભાઈના જીવનનું આ મહામૂલું પ્રદાન રહેશે.
ઇંગ્લેન્ડમાં તથા અન્ય દેશોમાં અંગ્રેજ શાસન દરમ્યાન આપણી ઘણી પ્રાચીન હસ્તપ્રતો લઈ જવામાં આવી હતી. તે હસ્તપ્રતોના કેટલૉગ તૈયાર કરાવવાની એક ભગીરથ યોજનાનું સ્વપ્ન લંડન રહેતા શ્રી નેમુભાઈ ચંદરયાનું હતું. તેઓએ તે માટે શ્રી કુમારપાળભાઈનો સહયોગ માગેલો. આ પ્રવૃત્તિમાં મને પણ ખૂબ રસ પડ્યો. કુમારપાળભાઈની કુનેહ, વિચક્ષણતા અને વિદ્વત્તાને કારણે જ આ કાર્યનો પણ આરંભ થયો અને તેમાં ખૂબ જ પ્રગતિ સાધી શકાઈ છે. આ પ્રવૃત્તિમાં આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયી પેટ્રન તરીકે જોડાયેલા છે અને એ જ રીતે બ્રિટનના અગ્રણી રાજપુરુષો આની સાથે જોડાયેલા છે. જેને સાહિત્ય સંશોધન તથા અધ્યયનના ક્ષેત્રે આપણી શ્રમણ સંસ્થાને ખૂબ જ દૂરગામી પરિણામો પ્રાપ્ત થાય તેવી આ પ્રવૃત્તિમાં કુમારપાળભાઈની સાથે સહભાગી થવાનો મને ખૂબ જ આનંદ છે.
કુમારપાળભાઈની પ્રતિભા વિવિધ ક્ષેત્રોમાં સુગંધ પ્રસરાવી રહી છે. તેઓ પ્રભાવશાળી વક્તા છે. ગુજરાત અને ભારતમાં ઠેર ઠેર વ્યાખ્યાનો આપવાની સાથે તેમને ઇંગ્લેન્ડ, અમેરિકા,
166 ગૌરવનો અનુભવ