________________
આ હતો એમનો પ્રથમ પરિચય. એક મોટા સાહિત્યકારમાં આવો એક ભક્ત પણ વસે છે કે જે સંતદર્શનની આચારસંહિતાનો પ્રત્યક્ષ પદાર્થપાઠ સૌને શીખવે છે.
વિશ્વકોશના ભવનની નિર્માણભૂમિનું પૂજન થશે. મા! આપ જરૂર એ કાર્યક્રમમાં પધારો. અમે ના પાડી છતાં શ્રી કુમારપાળનો આગ્રહ ચાલુ જ રહ્યો. તે દિવસે ના પધારો તો તમને જે , દિવસે અનુકૂળતા હોય તે દિવસે પધારો. પણ તમારાં પગલાં એ ભૂમિ ઉપર અમને જરૂરી લાગે છે.
અતિ આગ્રહ હતો તો દિવસ નક્કી થયો. અમે કહ્યું, અમે અમારી રીતે ત્યાં આવી જઈશું, શ્રી કુમારપાળભાઈએ ના પાડી. ભારે વરસાદ વચ્ચે પોતે જ ગાડી લઈને લેવા આવ્યા અને ભૂમિપૂજનના જાહેર કાર્યક્રમ પહેલાં અમે ત્યાં પ્રાર્થના સાથે ગંગાજળ પધરાવ્યું.
વિશ્વકોશની બધી જ વિશેષ વ્યક્તિઓને ત્યાં મળવાનું બન્યું. સંતચરણરજની એમની શ્રદ્ધા જ જાણે એમનો અધ્યાત્મપ્રેમી વ્યક્તિત્વનો પરિચાયક બની ગયો.
શ્રી સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટના યોગજ્યોત ગૌરવના કાર્યક્રમમાં તેઓશ્રી અતિથિવિશેષ હતા. અમદાવાદના એ સ્થળની સામે જ જે હોલ હતો તેમાં તે જ સમયે એમને સાહિત્યકાર તરીકે ધનજી કાનજી સુવર્ણચંદ્રક સ્વીકારવા જવાનું હતું. છતાં એમણે ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપી જ. ખૂબ સહેલાઈથી ના પાડી શક્યા હોત, પણ યોગજ્યોત ગૌરવનો કાર્યક્રમ પણ એમણે પોતાનો માન્યો અને વિદ્યાર્થીજગતને પોતાનો સુંદર સંદેશો આપ્યો ને પછી જ ચંદ્રક સ્વીકારવા તેમણે વિદાય લીધી. એક વાર કોઈ કાર્યક્રમ માટે હા પાડી દીધા પછી તે વચનને વળગી રહેવાની વાત એમાં વચનપાલનનો વિશેષ ગુણ પણ જોવા મળ્યો.
ચોથી વાર સ્વર્ગારોહણ, અંબાજીમાં આ નૂતન વરસે તેઓ અચાનક પધાર્યા. મુલાકાતનો સમય હતો. ઓરડો ભરેલો હતો. તેઓ એક સામાન્ય ભક્તની જેમ દાખલ થયા. સૌ સાથે નીચે જ સહજ રીતે બેસી ગયા.
ના કોઈ સન્માનની અપેક્ષા રાખી કે ના કોઈ જાહેરાત કરાવી કે અમે આવ્યા છીએ. સંતના દ્વારે સર્વ ઉપાધિઓનાં વળગણો ઉંબરે જ ઉતારીને સૌ સાથે નીચે બેસી જવાની જે પ્રકૃતિ છે તે કંઈ રમતવાત નથી. અહીં એમની સરળતા, નમ્રતા, જિજ્ઞાસુ તરીકેની વિશેષતા સૌને સ્પર્શી ગઈ.
ફરી એક વાર સૂરતમાં યોગજ્યોત ગૌરવના કાર્યક્રમમાં તેઓએ આમંત્રણ સ્વીકાર્યું. પરંતુ તેમના ઉતારા માટેની એક અગત્યની સૂચના અમને મળી હતી. છતાં અમે તો અમારી રીતે ઉતારો ગોઠવ્યો હતો. આવ્યા અને ઉતારો એમને અનુકૂળ આવ્યો. એકમાત્ર સર્વમંગલ ટ્રસ્ટના એ કાર્યક્રમ માટે જ તેઓ સૂરત આવ્યા અને કાર્યક્રમ પૂરો થતાં પાછા અમદાવાદ માટે વિદાય થયા.
145 મા સર્વેશ્વરી