________________
આપવામાં પણ એમની પૂરી નિષ્ઠા રહી છે. શ્રી ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ, પ્રો. અનંતરાય રાવળ સ્મારક સમિતિ, વિદ્યાવિકાસ ટ્રસ્ટ, શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ગુજરાત સાહિત્ય સભા જેવી અનેક સંસ્થાઓ દ્વારા તેઓ અનેક સાહિત્યિક કાર્યક્રમો યોજતા રહે છે.
સરસ્વતીના સાધક, શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા અસ્મલિત વાકુવૈભવના ધની ડૉ. કુમારપાળ મૂલ્યોની માવજત થાય, મૂલ્યોનું સિંચન થાય એવી પ્રવૃત્તિઓ પાછળ મથ્યા કરે છે. એક સાહિત્યકારના સામાજિક ઉત્તરદાયિત્વને તેઓ બરાબર સમજે છે અને પૂરું નિભાવે છે. - આકાશનું ઊંડાણ અને વ્યાપને એમણે પોતાના વ્યક્તિત્વમાં ભરી દીધાં છે. કંઈ કેટલાયે કેળવનારા, ઘડનારા, સાથ આપનારા હૂંફાળા હાથોનું ઋણ તેઓ સ્વીકારે છે. વિહરતા રહેવાનું પ્રકૃતિ, પ્રવૃત્તિ અને માનવહસ્તીઓમાં, એ એમની લાક્ષણિકતા બની ગઈ છે. એમની સાથે કામ કરનાર દરેકને તેઓ આત્મીય લાગે, મિત્ર લાગે અને છતાંયે તેઓ તો પાછા સૌથી વેગળા, પોતાની લગનમાં જ મગન. ભરપૂર નિસબતવાળા માણસ ખરા પણ ક્ષણોને મોતીની જેમ સાચવે. એમના સમયપત્રકમાં નવરાશની પળો કે “રવિવાર' શોધ્યાં ન જડે.
આ જ એમની સફળતાનું રહસ્ય છે – અવિરત કામ, સતત પ્રવૃત્તિ.
એમની પ્રવૃત્તિઓના પારિજાતનો સંવાદ સદાયે ગુંજતો જ રહે છે. ડૉ. કુમારપાળ દેસાઈને મળેલું પદ્મશ્રી સન્માન ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ અને સાંસ્કૃતિક જગતને મળેલું સન્માન છે, ગૌરવ છે. એમનો મનઝરૂખો સદાય એમની મંગલ સર્જક ક્ષણોના સાક્ષાત્કારથી ભર્યો ભર્યો રહે.
121 લતા હિરાણી