________________
અમે બંને એક જ ગુરુના શિષ્ય. પછી કુમારપાળનાં સદેહે દર્શન થયાં. સૌમ્ય, સ્મિત સભર ચહેરો, ભાર વિનાના હળવા, બોલે તો પણ ધીમેથી, મને થાય પણ ખરું પુરુષ અને આટલું માર્દવ ! પણ કદાચ એ જ કુમારપાળના વ્યક્તિત્વની લાક્ષણિકતા – ત્યારે અને આજે પણ...
પછી તેમની નવગુજરાત કૉલેજમાં, સાહિત્યના સમારંભોમાં મુલાકાત થતી રહી. અમે પરસ્પરને ‘તું’થી પણ ક્યારેક બોલાવીએ, ક્યારેક ‘તમે'થી પણ અમારા વચ્ચે કશાક અંતરહેતુઓનો એક નાતો બંધાઈ ગયો હતો. એ દિવસોમાં એક વાર એમને ત્યાં અમદાવાદ ખાતે રાત્રિરોકાણ કરવાનું બન્યું. અમદાવાદનો મિત્ર હોય, તેમાંય રાત્રિરોકાણ હોય એટલે પેલું ‘અમદાવાદીપણું’ યાદ આવે. પણ કુમારપાળે, તેમના પરિવારે ‘અમદાવાદી-પણા’નું સ્મરણ ક્યાંય ન થવા દીધું. ભારોભાર આતિથ્યભાવનો મને અનુભવ કરાવ્યો. તેમનાં પ્રેમાળ માતુશ્રીનો પરિચય થયો. બ્રશના બદલે દાતણ, મીઠું, ગરમ પાણીના કોગળા – વગેરે અનેક વાતો તેમની માતા પાસેથી જાણી. કુમારપાળનું ત્યારે એ ‘છત્ર’ હતાં. કુમારપાળમાં જે ભીનાશ છે તે અહીં માતામાંથી ઝમતી ઝમતી આવી છે. તેમનાં માતા આ એકના એક દીકરાને સ્કૂટર ચલાવવાની મંજૂરી પણ ન આપે ! માતાએ તેથી સ્કૂટ૨-ડ્રાઇવર રાખ્યો હતો ! તેમનાં પ્રેમાળ પત્ની પણ એ ઘરમાં બરાબર સમરસ થઈ ગયેલાં લાગ્યાં. સવારે ચા સાથે નાસ્તાની ટેવ નહીં છતાં, તેમના આગ્રહથી જ નાસ્તો કર્યો. કુમારપાળ અને તેમના પરિવારમાં ‘અમદાવાદ' વચ્ચે પણ પેલું ‘રાણપુર’ અને ‘સાયલા’ સતત જીવતાં લાગ્યાં.....
-
-
નવમા દાયકાના આરંભમાં ને તે પછીનાં વર્ષોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બૉર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી, પાઠ્યપુસ્તક મંડળ એમ ઘણાં બૉર્ડમાં કામ ક૨વાનું મારે બન્યું. અમદાવાદના આંટાફેરા તેથી વધ્યા. એ દિવસોમાં કુમારપાળને ઠીક ઠીક મળવાનું બનતું. ક્યારેક પત્રથી પણ મળતા, ક્યારેક અમારા બંનેના કૉમન વિદ્યાર્થીઓ મા૨ફતે મળતા. કુમારપાળના માનવ્યની સુગંધ એમ વધતી જતી હતી. તેમનાં વ્યાખ્યાનો વિશે, તેમનાં સમાજોપયોગી કાર્યો વિશે, તેમના મળતાવડા સ્વભાવ વિશે, વિદ્યાર્થીઓ સાથેની તેમની શિક્ષક તરીકેની નિસબત વિશે ઘણી વાતો સાંભળવા મળતી. કુમારપાળ તેમના વર્તુળમાં એમ એક ‘મિથ' બનતા જતા હતા....
83
પ્રવીણ દરજી
મારાં સંતાનો શાળામાં જતાં થયાં, સાહિત્યમાં રસ લેતાં થયાં, એ દિવસોમાં અમારે ત્યાં બે લેખકોની વધુ ચર્ચા બાળકો ક૨તાં. એક કુમારપાળનું ‘ઈંટ અને ઇમારત' ને બીજું બકુલ ત્રિપાઠીનું ‘કક્કો-બારાખડી'. હા, અમારે ત્યાં ‘ગુજરાત સમાચાર' પણ અન્ય છાપાંઓ સાથે આવતું. હું જોતો કે કુમારપાળ મોટેરાંઓને અને બાળકોને પણ ગમે એવું સરસ તેમાં ત્યારે લખતા હતા. તેમણે એ કટારને પિતાના જેવી રસ-૨હસ્ય ભરપૂર તો બનાવી જ, સાથે તેમણે પોતાના સમયને, તેની ઘટનાઓને, સંવેદનાઓને પણ સ્વકીય રીતે મૂકવા માંડી...