________________
૧૩
વિહાર દરમિયાન જ વરસાદ પડ્યો. તેને લીધે જમીનમાં પાણી ભરાતાં અસંખ્ય ત્રસ જીવો બહાર ઉભરાઈ આવ્યાં. અસંખ્ય સંમૂર્છિમ જંતુઓ ઉત્પન્ન પણ થયાં. બધાં જ જીવો રોડ પર ! વાહનો વગેરેને કારણે બધાં કચડાઇ મરે. આ સ્થિતિમાં રોડ પર ચાલવું, અતિમુશ્કેલ બને. ઈર્યાસમિતિનું અને જયણાનું પાલન કરવું જ પડે. અન્યથા જીવોની જબર વિરાધના થાય.
એ દિવસે પગ જોઈ જોઈને અને સંભાળપૂર્વક મૂકતો હતો, ત્યારે અચાનક મનમાં એક સવાલ જાગ્યો : આ જીવોને હું બચાવીશ, પગ તળે નહિ દબાવું, તેથી તે જીવો શું બચી જ જશે? બીજા કોઈના પગ નીચે કે વાહન તળે તે નહિ કચરાય? વળી, હું એને નહિ કચડું, તેથી તેને કોઈ લાભ થવાનો ? તેના ભવ ઘટશે, તેની આવરદા મોટી થશે? આવું કાંઈ થવાનું ખરું?
ચિંતન ચાલ્યું. જવાબ પણ જડ્યોઃ મારે જયણા પાળવાની છે, તે જીવને બચાવવાનો છે, કચડવાનો નથી. તેના લીધે તે જીવને કોઈ ફાયદો થાય છે કે નહિ, તે મારે જોવાનું નથી. મારે તો બે જ બાબત ધ્યાનમાં લેવાની છે : ૧. મારા લીધે તે ન મરે, હું તેને મારું નહિ, પણ બચાવું. ૨. તેને બચાવવામાં ખરેખર તો મારો જ બચાવ થાય છે. તેના સ્થૂળ જીવનની રક્ષા કરવાનો મારો અધ્યવસાય, મારા ભાવાત્મક જીવનની રક્ષા કરે છે! મારા ચિત્તના શુભ પરિણામોને મરતાં-નષ્ટ થતાં તે જયણાપાલન અટકાવી દે છે અને મારા હાથે નહિ મરેલો તે જીવ, પછીથી ભલે કોઈકના લીધે મરણ પામે, પણ તે છતાં, મારા શુભ પરિણામ તો બચી જ જવાના અને એ રીતે મારો બચાવ તો કાયમી - ચિરકાલીન થઈ જવાનો.
ચિંતનનો દોર પછી તો બહુ લંબાયો. જૈન મુનિનું મને મળેલું પદ એ ક્ષણે સાંભર્યું. જૈન મુનિપદ એટલે જીવંત જયણા. જૈન મુનિની એક એક ક્રિયા અને ચેષ્ટા તથા પ્રવૃત્તિ, બીજા જીવોની રક્ષા માટે જ હોય. બીજા જીવનને હાનિ પહોંચે એવી એક પણ કાર્યવાહી જૈન મુનિ દ્વારા ન થાય, ન થવી જોઈએ. જૈન મુનિ પોતાના માટે ન જીવે, બીજાને જીવવા દેવા ખાતર પણ ન જીવે. જૈન મુનિ જીવે તો અન્યને બચાવવા માટે જીવે, અન્યને જીવાડવા માટે જીવે, અન્યને જીવાડે અને જીવે.